પ્રણવ પટેલ, દીપિકા ખુમાણ, અમદાવાદ: શહેરની માર્કેટમાં દિવાળી (Diwali) પહેલા રોનક જોવા મળી છે. કોરોનાના ગ્રહણ (Coronavirus) બાદ આ વખતે શહેરમાં કપડા માર્કેટ, ઇલેક્ટ્રીક માર્કેટ સહિત અન્ય નાના મોટા વેપારીઓ ખુશ જોવા મળી રહ્યા છે. છેલ્લા એક વર્ષથી કોરોના પગલે લાગેલા ઘસરકો જાણે આ વર્ષે પૂર્ણ થવાનો અંદાજ વેપારીઓ માની રહ્યા છે. ત્યારે અમદાવાદમાં (Ahmedabad Market before Diwali 2021) ઇલેક્ટ્રિક બજારમાં દિવાળીની રોનક છવાઈ છે તેની સાથે બજારમાં ચાઈનીઝ ઝુમ્મર અને લાઈટિંગ વેચાઇ રહ્યાનું પણ સામે આવ્યુ છે. ન્યુઝ18 ગુજરાતીની પડતાળમાં સામે આવ્યું છે કે, કરોડોનો ચાઇનીઝ માલ બજારોમાં ખડકાયો છે. પરંતુ દિવાળી પહેલા બજારો પહેલાની જેમ જીવંત બની રહ્યા છે.
હાલ અમદાવાદની બજારોના દ્રશ્યો જોઇએ ચોક્કસ લાગે કે, કોરોના મહામારી ભુતકાળ બની ગઇ છે. દિવાળી તહેવાર નિમિત્તે શહેરના બજારોમાં રોનક જોવા મળી છે. લાલ દરવાજા, ભ્રદ્ર ખાતે કિડીયારૂ ઉભરાય તેમ લોકો ઉમટી પડ્યા છે. લાલદરવાજા જેવા હાલ રતનપોળના છે . કોરોના કપરા કાળ બાદ લગ્ન સિઝનમાં મોટી છૂટછાટ થતા વેપારીઓ પણ ખુશ છે તેમજ ગ્રાહકો પણ ખુશ છે.
રતનપોળ કાપડ મહાજન પ્રમુખ મુકેશભાઇ શેઠ જણાવ્યુ હતુ કે, કોરોનાના પગલે જે નુકશાન થયું છે તે, નુકશાન આ વર્ષે સરભર થશે. માર્કેટમાં ગ્રાહકોની અવર જ્વર વધી છે. રતનપોળ માર્કેટ માત્ર અમદાવાદ નહી પરંતુ સમગ્ર ગુજરાતમા માટે એક ખરીદી માટે મોટુ માર્કેટ છે. જે કોરોના સમયે નુકશાન ઘસરકો લાગ્યો હતો. તે ચાલુ વર્ષે સરભર થશે તેવો અંદાજ છે. લોકો માર્કેટમાં હવે બહાર આવી રહ્યા છે. કોરોના પગલે લોકો બહાર નિકળતા ન હતા. તેમજ લગ્ન અને સામાજિક કાર્યક્રમ પર નિયંત્રણ હતા. પરંતુ સરકરા છુટછાટના પગલે હવે માર્કેટમાં ખરીદી માટે રોનક જોવા મળી છે. આશા છે કે હજુ બે ત્રણ દિવસ ગ્રાહકી વધશે.
આ સાથે પ્રકાશ પર્વ દિવાળીની ઉજવણીમાં પ્રાચિન દિવડાઓની સાથે હવે અવનવી લાઇટીંગ સિરિઝનો ટ્રેન્ડ વધ્યો છે. અમદાવાદની બજારોમાં લાઇટીંગ માટે અનેક વેરાયટી ઉપલબ્ધ છે. જેમાં ખાસ કરીને ગાંધી રોડ સ્થિત ઇલેક્ટ્રોનિક બજારનો નજારો જ કંઇક અલગ જોવા મળે છે. આ અંગે વેપારી નિલેશ પટેલના કહેવા પ્રમાણે, માર્કેટમાં સિરીઝ અને લાઈટિંગ વાળા ઝુમ્મર ચાઇનીઝ મળે છે અને લોકો એ જ સૌથી વધારે માંગે છે. 500થી લઈને 5000 સુધીના ઝુમ્મર માર્કેટમાં અવેલેબલ છે. જેમાં અત્યારે અનેક સૌથી વધારે મેટલ વાળા અને ક્રિસ્ટલ વાળા ઝુમ્મર ચાલે છે. અત્યારે રોજનો 50 લાખનો માલ લોકો ખરીદે છે. આ વિશે હેમંત ભાઇનું કહેવું છે કે, માર્કેટમાં આ વર્ષે દિવાળી તો લાગે છે પરંતુ સૌથી વધુ માલ ચાઈનાનો આવ્યો છે અંદાજે 1 કરોડની આસપાસનો માલ આખા બજારમાં હશે.
ઉત્સવપ્રેમી અમદાવાદીઓ ઉપરાંત બહારના પણ ઘણા લોકો અહીં ખરીદી માટે આવતા હોય છે. અહીં દીવાળી માટે સીરીઝ લેવાની હોય કે પછી ડેકોરેશન માટે અવનવી લાઇટો અહીં અઢળક વેરાયટી જોવા મળે છે. પરંતુ તમામ માલ ચાઇનીઝ છે. ગત વર્ષે મંદીનો માહોલ હતો અને ચાઈનાથી એટલી વેરાયટીની સપ્લાઈ પણ નહોતી થઈ ત્યારે આ વર્ષે સારી ઘરાકી જોવા મળી છે. ગાંધીરોડનું 1928થી શરુ થયેલુ આ માર્કેટ આજે અમદાવાદની એક ઓળખ છે. અહીં 1000 થી 1500 જેટલા વેપારીઓ વેપાર કરે છે. જો કે સારી ઘરાકી તો છે. પણ અન્ય માર્કેટની જેમ ઇલેક્ટ્રિક માર્કેટમાં પણ મોંઘવારીનો ફૂંફાડો જોવા મળી રહ્યો છે.આ અંગે
ગ્રાહક અંજુબેનનું કહેવું છે કે, ચાઈનાના ઝુમ્મર આમ સસ્તા છે પરંતુ તેની સાથે તે ક્યારે બંધ થઈ જાય એ નક્કી નથી હોતું. જેને કારણે ઇન્ડીયન વસ્તુઓ પર વધારે વિશ્વાસ કરું છું. તો પાનાકોર નાકા પાસે શાક લેવા નીકળેલા જ્યોત્સના બેનનું કહેવું છે કે, હું આ જ વિસ્તારમાં રહું છું. મારે જોઈએ તો અહીથી હું ચાઈનાની સિરીઝ લઈ શકું છું પણ હું તો આખા ઘરમાં દીવા જ કરું છું. નોંધનીય છે કે, અહીં વિવિધ વસ્તુઓમાં 30થી 50 ટકા સુધીનો ભાવ વધારો જોવા મળ્યો છે. જોકે, ભાવ વધ્યો હોવા છતાં ઘરાકી નીકળી છે. જેથી વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. એક સમય હતો જ્યારે દિવાળીના પર્વ પર દીપ પ્રાગ્ટયનું વિશેષ મહત્વ હતું. પરંતુ બદલાતા સમયની સાથે હવે દિવાડાની સાથે સાથે ઈલેકટ્રોનિક લાઇટિંગનું પણ ચલણ વધ્યું છે પરંતુ માઈન્સ પોઇન્ટ છે ચાઈનીઝ વસ્તુઓનું 90% વેચાણ.