સાબિર ભાભોર, દાહોદ: કોરોના કાળમાં ઓનલાઈન શિક્ષણ વચ્ચે ગામડાઓમાં ઓનલાઈન શિક્ષણ નથી પહોચી શકતું ત્યારે ખગેલા પ્રાથમિક શાળાના પ્રજ્ઞાચક્ષુ શિક્ષક હેતલકુમાર કોઠારી ફળિયા ફળિયામાં જઈને શેરી શિક્ષણ આપી બાળકોને શિક્ષણ આપી રહ્યાં છે. કોરોના કાળમાં શાળાઓ બંધ છે પરંતુ શૈક્ષણીક કાર્ય ચાલુ છે. ટેકનૉલોજીના માધ્યમથી શિક્ષકો ઓનલાઈન શિક્ષણ આપી રહ્યા છે, પરંતુ દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઓનલાઈન શિક્ષણ એક પડકારરૂપ સાબિત થયું છે. કારણ કે, જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ગરીબ પરિવારો મોટેભાગે ખેતી અથવા મજૂરી કામ ઉપર નિર્ભર હોય છે. ત્યારે આવા પરિવારોમાં સ્માર્ટફોન નથી જોવા મળતા અને સ્માર્ટફોન હોય તો ઘરનાં તમામ સભ્યો પાસે નથી હોતા. તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં નેટવર્કનો પણ પ્રશ્ન હોય છે. તેથી બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવું મુશ્કેલ બની જતું હોય છે.
ત્યારે આવા પડકારને ઝીલીને દાહોદની ખંગેલા પ્રાથમિક શાળાના પ્રજ્ઞાચક્ષુ શિક્ષક ફળિયા શિક્ષણ આપી શિક્ષણનો પ્રકાશ ફેલાવી રહ્યા છે. ખગેલા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હેતલકુમાર કોઠારીએ શિક્ષણની જ્યોત પ્રજાવલિત કરી રહ્યા છે. અકસ્માતે દિવ્યાંગ બનેલા હેતલકુમાર છેલ્લા 22 વર્ષથી બાળકોને શિક્ષણ આપી રહ્યા છે અને હાલ કોરોના મહામારી વચ્ચે પણ સહજતાથી શિક્ષણ આપી રહ્યા છે.
હેતલકુમાર પણ સાથી શિક્ષકમિત્રની મદદથી રોજ સવારે શિક્ષણ માટે નીકળી જાય છે. હેતલકુમાર અત્યારે ત્રીજા ધોરણના વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહ્યાં છે. જયારે તેમની સાથેના શિક્ષક મિત્રને અન્ય વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું હોય છે. આથી જે તે ફળિયામાં શિક્ષણ માટે બંન્ને શિક્ષકો સાથે નીકળે છે અને પરત આવે છે.