સંજય ટાંક, અમદાવાદ: રાજ્યમાં (Gujarat ) છેલ્લા 24 કલાકમાં 20 હજારથી વધુ કેસ (Gujarat Corona cases) કોરોનાના નોંધાતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. કોરોનાની બીજીલહેર સમયે ગુજરાત યુનિવર્સિટીના (Gujarat University) કન્વેનશન હોલમાં DRDOના સહયોગથી બનાવાયેલી ધન્વંતરિ હોસ્પિટલને (Dhanvantari Hospital)ફરી શરૂ કરવા કવાયત હાથ ધરાઈ છે. હોસ્પિટલમાં સાફ સફાઈ કરી 1 હજારથી વધુ બેડ તૈયાર કરવામાં આવ્યા. રાજ્ય સરકારના આદેશ બાદ હોસ્પિટલ શરૂ કરવામાં આવશે.
અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોના કાબુ બહાર જઈ રહ્યો છે. વધતા કેસોને લઈ આરોગ્ય વિભાગ અને રાજ્ય સરકારમાં સતત વધતા કેસો મામલે મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. અને તંત્ર દ્વારા એક પછી એક એકશન લેવામાં આવી રહ્યા છે. હાલ પોઝિટિવ બાબત એ છે કે જે કેસ સામે આવી રહ્યા છે તેમના મોટા ભાગે હોમ આઇસોલેટ થઈ સારવાર લઈ રહ્યા છે. પરંતુ જો આગામી દિવસોમાં કેસની સંખ્યા વધે અને દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેની તકેદારી સતત તંત્ર રાખી રહ્યું છે.
ગઈકાલે સમરસ હોસ્ટેલને કોરન્ટીન સેન્ટર તરીકે તૈયાર રાખવામાં આવ્યું છે જ્યાં ખુદ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરએ નિરીક્ષણ કર્યું હતું. ત્યારે હવે DRDO દ્વારા તૈયાર કરાયેલી ધન્વંતરિ કોવિડ હોસ્પિટલ ફરી શરૂ કરવા કવાયત હાથ ધરાઈ છે. હાલ ધનવંતરી હોસ્પિટલમાં 1005 બેડની વ્યવસ્થા અને 151 ICU બેડની વ્યવસ્થા છે. રાજ્ય સરકારનો આદેશ થાય કે તરત હોસ્પિટલને કાર્યરત કરી દેવાશે.
બીજી લહેરમાં 45 હજાર લીટર ઓક્સિજન ટેન્કનો પ્લાન્ટ પણ હોસ્પિટલ કેમ્પસમાં નાખવામાં આવ્યો છે. જ્યારથી ઓમીક્રોનના કેસ રાજ્યમાં આવી રહ્યા છે ત્યારથી આ હોસ્પિટલને સ્ટેન્ડબાય મોડ પર રાખવામાં આવી છે. મહત્વનું છે કે બીજી લહેરમાં DRDO દ્વારા માત્ર 9 દિવસમાં આ હોસ્પિટલ ઉભી કરવામાં આવી હતી. અને આ હોસ્પિટલમાં 3600થી વધુ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. એટલું જ નહી બીજી લહેર જ્યારે ખતમ થઈ ત્યારબાદ મ્યુકરમાઇકોસીસ નામની બીમારી સામે આવી હતી. આ પોસ્ટ કોવિડ સારવારમાં પણ હોસ્પિટલ દ્વારા સેવા આપવામાં આવી હતી.