અંકિત ઘોંનસિકર, વડોદરા : સામાન્ય માણસના કાને પોલીસ સ્ટેશનનું નામ પડતાં જ બે હાથ જોડી ભગવાનને યાદ કરી લે છે. પોલીસ સ્ટેશન એટલે ગુનેગારોથી ભરપૂર લોક-અપ. પોલીસ સ્ટેશનમાં સામાન્ય માણસ જવા ઇચ્છતા નથી, ત્યારે બાળકો પોલીસ સ્ટેશનમાં જાય એ કોઈ ઇચ્છે નહીં પરંતુ વડોદરામાં માંજલપુર પોલીસ સ્ટેશન રાજ્યનું એકમાત્ર પોલીસ સ્ટેશન છે, જ્યાં ભૂલકાં રોજ ઉત્સાહભેર આવે છે. જ્યાં કાયદાના રક્ષકોએ શિક્ષણનું રક્ષણ કરવા ગરીબ બાળકોને ભણાવવાની જવાબદારી પોતાના શિરે ઉઠાવી છે.
વડોદરા શહેરના માંજલપુર પોલીસ સ્ટેશન નજીક થોડા સમય પહેલાં સેવા સંસ્થા દ્વારા ગરીબ બાળકોને શિક્ષણ પૂરું પાડવાની પહેલ કરવામાં આવી હતી. સેવા સંસ્થા પાસે પૂરતી સુવિધા ન હોવાથી તેઓ રસ્તાની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં બાળકોને શિક્ષણ પૂરું પાડતા હતા. એવામાં એક દિવસ ACP એસ. બી. કુંપાવતની નજર આ રસ્તાની બાજુમાં શિક્ષણ મેળવી રહેલાં બાળકો પર પડી હતી. બાળકો જે રસ્તા પર શિક્ષણ મેળવી રહ્યાં હતાં ત્યાં ભારે વાહનોની ખૂબ અવરજવર રહે છે, જેથી તેમણે આ બાળકોને ભણાવી રહેલા શિક્ષિકાનો સંપર્ક કર્યો હતો અને સેવા સંસ્થાનાં શિક્ષિકા પાસેથી તમામ જાણકારી મેળવીને આખરે તેમણે માંજલપુર પોલીસ સ્ટેશનના પરિસરમાં બાળકોને ભણવા માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આપી હતી. હાલ આ પાઠશાળામાં પ્લે ગ્રુપના ભુલકાઓથી માંડી ધોરણ આઠના બાળકો સાથે 10 થી વધુ વાલીઓ પણ અભ્યાસ કરવા આવે છે.
ગુજરાતનું આ પ્રથમ પોલીસ સ્ટેશન છે, જ્યાં એક તરફ પોલીસ સ્ટેશનમાં કર્મીઓ પોતાની કામગીરી કરે છે અને બીજી તરફ ભૂલકાંની પાઠશાળા ચાલે છે. સવારે 11થી બપોરના 1 વાગ્યા સુધી આ બાળકોને સેવા સંસ્થા દ્વારા શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. સાથોસાથ બાળકોની ભણતર માટેની સામગ્રી અંગે પોલીસ વિભાગ તરફથી ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
બાળકો પોલીસ સ્ટેશનમાં આવે તો પોલીસનું વર્તન પણ બદલાય છે. નાનપણમાં પોલીસ સાથે રહેવાને કારણે તેમના મનમાં પોલીસની છબિ અલગ રીતે ઉપસી આવે છે અને જરૂર પડ્યે તેઓ ભવિષ્યમાં નિઃસંકોચ પોલીસ સમક્ષ આવી શકે છે. પોલીસ અને બાળકો વચ્ચેના અંતરને દૂર કરવા માટે પોલીસતંત્ર દ્વારા અનોખો પ્રસાય કરવામાં આવ્યો છે. હાલ 70થી વધુ બાળકો પોલીસ સ્ટેશનમાં ભણતર લઈ રહ્યા છે. તેમના વાલીઓ પણ બાળકોને ભણતર લેતા જોઈ પોતે પણ પોલીસ પાઠ શાળામાં ભણતર લેવા આવે છે. હાલ 10થી વધુ વાલીઓ નાના ભૂલકાઓની વચ્ચે રહી શિક્ષિત થઇ રહ્યા છે.