સંજય ટાંક, અમદાવાદ: ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું કાઇન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે. પરીક્ષાને આડે હવે માત્ર એક દિવસ જ રહયો છે. પરંતુ પરીક્ષામાં કોઈ ગરબડ ન થાય, કોઈ ગેરરીતી ન થાય અને કોઈ આ વ્યવસ્થા ન સર્જાય તે માટે તંત્રની મહેનત મહિનાઓની છે. પરીક્ષામાં થતી ગેરરીતિઓ અટકાવવા કેટલાક નિયમો શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે તેમનો જ એક નિયમ છે વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા વર્ગખંડ બહાર કરવામાં આવશે અને બૂટ , ચપ્પલ મોજા બ્લોક બહાર રાખવામાં આવશે.
કોરોનાનાં બે વર્ષ બાદ બોર્ડની પરીક્ષા લેવાઈ રહી છે જેથી પરીક્ષાનું આયોજ સુપેરે પાર પડે અને કોઈ ગેર વ્યવસ્થા ન સર્જાય તે માટે નિયમો નક્કી કરવામાં આવ્યા છે. જે નિયમો અમદાવાદ શહેર અને ગ્રામ્ય શિક્ષણ અધિકારી કચેરી દ્વારા જાહેર કરાયા છે. જેના પર નજર કરીએ તો પરીક્ષા સ્થળોની આજુબાજુ 144ની કલમ મુજબ પોલીસ કમિશનરના કાર્યાલયથી પ્રતિબંધાત્મક હુકમોનું પાલન કરવાનું નક્કી કરાયું છે.
પરીક્ષા સ્થળે પશ્ચાતાપ પેટી રખાશે તેમજ 144 નું હુકમનામ જાહેરમાં પ્રદર્શિત કરાશે. પરીક્ષાકેન્દ્ર પર મુલાકાત રજિસ્ટર નિભાવવામાં આવશે. જે તે વિષયના વિષય શિક્ષકો જે તે વિષયની પરીક્ષા વખતે સુપરવિઝનમાંથી મુકત રાખવામાં આવશે. ગેરરીતિના કિસ્સામાં નિયમ પ્રમાણે કાર્યવાહી પૂર્ણ ન કરનાર કર્મચારી, અધિકારી કસૂરવાર ગણાશે. પરીક્ષા સ્થળોની આજુબાજુ આવેલી ઝેરોક્ષની દુકાનો પરીક્ષાના સમય દરમિયાન બંધ રાખવામાં આવશે.