ન્યૂઝ18 ગુજરાતી : ગુજરાતની છ વિધાનસભાની બેઠક પર આગામી 21મી ઓક્ટોબરના રોજ પેટા ચૂંટણી યોજાશે. 24મી ઓક્ટોબરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. શરૂઆતમાં ચૂંટણી પંચે રાધનપુર અને બાયડને બાકી રાખી ચાર બેઠક પર ચૂંટણી તારીખની જાહેરાત કરી હતી, પરંતુ બે દિવસ બાદ ચૂંટણી પંચ તરફથી આ બંને બેઠક માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણી જાહેર થતાં જ ભાજપ અને કોંગ્રેસ તરફથી ઉમેદવારોની પસંદગી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભાજપ અને કોંગ્રેસે તમામ બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે.
લાંબી ખેંચતાણ બાદ ભાજપે નામ જાહેર કર્યા : રવિવારે ઉમેદવારોના નામોને લઈને મોડી રાત સુધી ભાજપમાં ખેંચતાણ અને બેઠકોનો દૌર ચાલ્યો હતો. જે બાદમાં મોડી રાત્રે ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી હતી. જે નામો જાહેર થયા છે તે પ્રમાણે થરાદ બેઠક પરથી શંકર ચૌધરીનું નામ ચાલી રહ્યું હતું પરંતુ તેમનું પત્તું કપાયું છે. અમદાવાદની અમરાઈવાડી બેઠક પરથી પણ દિનેશ કુશવાહા, ઋત્વિઝ પટેલ સહિત અનેક નામો ચર્ચામાં હતા પરંતુ તમામના પત્તા કપાયા છે. ખેરાલુ બેઠક પર પણ સાંસદ ભરત ડાભીએ ભાઈ માટે ટિકિટ માંગી હતી પરંતુ હાઇકમાન્ડે તેમને ટિકિટ આપી નથી. આ બેઠક પરથી અજમલ ઠાકોર મેદાન મારી ગયા છે. (રાધનપુર બેઠક : ભાજપ - અલ્પેશ ઠાકોર : કોંગ્રેસ - રઘુ દેસાઈ)