<br />અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઇન્સ્ટીટ્યુટમાં બ્રેઇનડેડ વ્યક્તિનાં અંગદાનમાં સફળતા મળી છે. બોપલના 42 વર્ષીય નીશાંતભાઇ મહેતાનો માર્ગ અકસ્માત થતા તેઓને બોપલની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું બ્રેઇનડેડ થતા પરિવારજનોએ અંગદાન માટેનો હૃદયસ્પર્શી નિર્ણય કર્યો હતો.
વિભુ પટેલ, અમદાવાદ: બ્રેઇનડેડ નીશાંતભાઇના પાર્થિવ દેહને અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઇન્સ્ટીટ્યુટમાં રીટ્રાઇવલ માટે લાવવામાં આવ્યા. કિડની ઇન્સ્ટીટયુટની ટીમ દ્વારા અંગોના રીટ્રાઇવલ માટે જરૂરી ટેસ્ટ કરવામાં આવ્યા. આ તમામ ટેસ્ટ પૂર્ણ થયા બાદ અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. 6 થી 7 કલાકની ભારે જહેમત બાદ એક હૃદય, બે કિડની , એક લીવર અને બે આંખોનું દાન કરવામાં આવ્યું હતું.
અંગદાતા નીશાંતભાઇના હૃદયને માત્ર છ મિનિટમાં ગ્રીન કોરિડોર મારફતે એરપોર્ટ પર મોકલવામાં આવ્યું જ્યાંથી પ્લેન મારફતે મુંબઇની રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ દર્દીનાં પ્રત્યારોપણ માટે મોકલવામાં આવ્યું છે. જ્યારે કિડની અને લીવરને કિડની ઇન્સ્ટીટ્યુટમાં જ SOTTO હેઠળ નોંધાયેલ દર્દીમાં પ્રત્યારોપણ કરીને નવજીવન આપવામાં આવ્યું છે. છેલ્લા એક વર્ષમાં અમદાવાદ શહેરમાં અંગદાન ક્ષેત્રે સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદ સિવિલ મે્ડિસીટીની સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધીમાં 42 અંગદાન કરવામાં આવ્યા છે.
અહીં અંગદાનમાં મળતા કિડની અને લીવરને મેડિસીટીની કિડની ઇન્સ્ટીટ્યુટમાં જ પ્રત્યારોપણ કરવામાં આવે છે. કિડની ઇન્સ્ટીટ્યુટ કિડની સંબંધિત બિમારીની સારવાર ઉપરાંત પ્રત્યારોપણની કામગીરીમાં પણ સમગ્ર દેશમાં અગ્રેસર છે.આજે કિડની ઇન્સ્ટીટ્યુટમાં અંગદાન મેળવીને પણ અમદાવાદ શહેર અને ગુજરાત રાજ્યના અંગદાનના મહાયજ્ઞમાં કામગીરી વધુ સશક્ત બની છે.
કિડની ઇન્સ્ટીટ્યુટના ડાયરેક્ટર ડૉ. વિનીત મિશ્રા એ જણાવ્યું છે કેકિડની ઇન્સ્ટીટ્યુટમાં SOTTO ની ટીમ દ્વારા પ્રત્યારોપણની કામગીરી વર્ષોથી કરવામાં આવી રહી છે. આજે નિશાંતભાઇ મહેતાના પરિવારજનોએ કિડની ઇન્સ્ટીટ્યુટમાં અંગોના રીટ્રાઇવલ માટે સંમતિ દર્શાવતા અમારી હોસ્પિટલમાં હોળીના પવિત્ર દિને છ વ્યક્તિઓને નવજીવન આપવામાં સફળતા મળી છે. ડૉ. વિનીત મિશ્રાએ રાજ્યના તમામ નાગરિકોને અંગદાન અંગેની જાગૃતિ સમાજમાં પ્રસરાવીને વ્યક્તિ દ્વારા વ્યકિતને નવજીવન આપવાના પવિત્ર સેવાયજ્ઞમાં જોડાવવા અનુરોધ કર્યો છે.