હર્મેશ સુખડિયા, અમદાવાદ : શહેરનાં (Ahmedabad) હાથીજણ નજીક આવેલા નિત્યાનંદનાં આશ્રમમાંનો (Nityanand Ashram) વિવાદ દિવસેને દિવસે વધી જ રહ્યો છે. આ મામલામાં હાલ એક યુવતી કથિત ગુમ અને બાળકોને ગોંધી રાખવાને કારણે વિવાદ ચાલી રહ્યો છે. આટલા દિવસથી પોલીસ કથિત ગુમ યુવતી અને જનાર્દન શર્માની દીકરી નિત્યાનંદિતા (Nityanandita) સાથે વીડિયો કોલિંગથી વાત કરી રહી છે. તોપણ પોલીસને જાણ નથી કે આ યુવતી કયા સ્થળેથી વાત કરી રહી છે. આ અંગે પોલીસે સાયબર ક્રાઇમની (cyber crime) ટીમ પણ કામે લગાડી છે. પરંતુ પોલીસ તેનું લોકેશન મેળવવામાં નિષ્ફળ રહી છે. જેથી પોલીસને એવી આશંકા રહેલી છે કે તેઓ ક્યાંકને ક્યાંક પ્રોક્સી સર્વરનો ઉપયોગ કરી રહી છે. આજે સૂત્રો પાસેથી મળતી અપડેટ પ્રમાણે, આ યુવતીનું લોકેશન ટ્રેસ કરવા હવે ઇન્ટરપૉલની (The International Criminal Police Organization) મદદ લેવામાં આવી રહી છે. ગુજરાત પોલીસે (Gujarat Police) ઇન્ટરપૉલનો સંપર્ક કર્યો છે.
નિત્યાનંદિતા વિદેશ ગઇ છે કે નહીં તે જાણવા માટે પોલીસે ઇમીગ્રેશન વિભાગ પાસેથી વીગતો મંગાવી હતી. જેમાં ખુલાસો થયો છે કે, નિત્યાનંદિતા 5મી નવેમ્બરએ સૌનાલી બોર્ડર થઇને બાય રોડ નેપાળ પહોચી છે. જોકે, નેપાળ પહોચી તે સમયે તેની સાથે અન્ય કોઇ વ્યક્તિ હતું કે નહીં તે અંગે પણ પોલીસએ વધુ તપાસ શરૂ કરી છે. (તસવીર નિત્યાનંદિતાનાં સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી)
આ મામલે DYSP કે.ટી.કામરીયાએ જણાવ્યું હતું કે, આ યુવતીઓ નિત્યાનંદિતા અને લોપામુદ્રાનાં લોકેશન અને આઈપી એડ્રેસ મેળવવા માટે તજવીજ ચાલુ કરવામાં આવી છે. આ યુવતીઓ Voipથી કોલ કરતી હોવાથી તેનું લોકેશન મેળવવું મુશ્કેલ છે. અમે ઈમિગ્રેશન વિભાગ પાસેથી વિગતો માગી છે. તેમજ પોલીસે નિત્યાનંદ અંગે પણ કર્ણાટક તથા તમિલનાડુ પોલીસ પાસે માહિતી માગી છે. (તસવીર નિત્યાનંદિતાનાં સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી)
શહેરનાં વિવેકાનંદ નગરમાં નિત્યાનંદ સામે પણ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જેથી પોલીસે નિત્યાનંદ અંગેની માહિતી મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ અંગે કર્ણાટક અને તમિલનાડુ પોલીસ પાસે માહિતી માગી છે. જોકે, નિત્યાનંદ હાલ વિદેશમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેથી તેની સામે કેટલા ગુનાઓ નોંધાયેલા છે અને તેના ઠેકાણાઓ ક્યાં છે તેના માટે પોલીસે પણ કાર્યવાહી શરુ કરી છે.