ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી છાસવારે વિદેશી દારૂ પકડાય છે. બુટલેગરો જાતભાતના આઈડીયા અજમાવી ગુજરાતમાં દારૂ ઘુસાડવાની કોશિસ કરે છે, જેમાંથી કેટલાક ઝડપાય છે, જ્યારે કેટલાક પોલીસને હાથતાળી આપી દારૂની હેરાફેરી કરવામાં સફળ થાય છે. આવી જ રીતે અમદાવાદમાં સફળતાથી દારૂની હેરાફેરી કરવા જઈ રહેલી ટ્રક અકસ્માતનો ભોગ બની અને દારૂની હેરાફેરીની પોલ પોલીસ સામે ખુલ્લી પડી ગઈ છે.
આ ઘટના પર અલ્પેશ ઠાકોરે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. અલ્પેશ ઠાકોરે દારૂ ભરેલી ટ્રક પલટી મારી જવાની ઘટના પર રાજ્ય સરકાર અને પોલીસને નિશાના પર લઈ કહ્યું કે, નેતાઓ અને ભ્રષ્ટ પોલીસ અધિકારીઓની મિલીભગતના કારણે ગુજરાતમાં બેરોકટોક દારૂ વેચાય છે. હું સરકારને પુછવા માંગુ છું કે, સરકાર આ મુદ્દે કેમ ચૂપ છે. દારૂબંધી માટે કેમ કામ કરવામાં આટલી આળસ કરે છે. જ્યારે પણ દારૂ પકડાયાની ઘટના સામે આવ્યા ત્યારે જ્યાંથી દારૂ ઘુસાડ્યો હોય ત્યાંથી લઈ જ્યાંથી દારૂ ઝડપાયો હોય ત્યાં સુધીના અધિકારી સામે એક્શન લેવું જોઈએ.