દીપિકા ખુમાન, પોરબંદરઃ પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે કૃષ્ણ-રુકમણીના વિવાહ પ્રસંગે એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના લોકમેળાને લઈને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.આજે (30મી માર્ચ 2023) મેળાના પ્રથમ દિવસે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજુ, ગુજરાતના સાંસ્કૃતિક વિભાગના મંત્રી મુળુ બેરા તથા મેઘાલયના ટુરિઝમ, આર્ટ અને કલ્ચર વિભાગના મંત્રી પોલ લિંગડોહ માઘવપુર મેળા ખાતે આવશે આજે સાંજે 6 કલાકે મેળામાં યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમોનું ઉદઘાટન કરવામાં આવશે આ ઉપરાંત તારીખ 31ના રોજ કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી, 1 એપ્રિલે સિક્કીમના મુખ્યમંત્રી પ્રેમસિંગ તામંગ પઘારશે. આ ઉપરાંત 3 એપ્રિલે આસામના મુખ્યમંત્રી હિમાંત બિસ્વા શર્મા, અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ તથા મણીપુરના રાજ્ય મંત્રી બિશ્વજીત સિંગ મેળામાં હાજરી આપવાના છે.
સંપુર્ણ એસી ડોમનું નિર્માણઃ દર વર્ષ કરતાં આ વખતે મેળામાં આકર્ષણનું કેન્દ્ર એસી ડોમ હશે. માવઠાની આગાહીને ધ્યાનમાં રાખીને આ વખતે કાર્યક્રમનું મુખ્ય સ્થળ મેદાન સંપૂર્ણ એસી ડોમથી બનાવવામાં આવ્યું છે. જેથી સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્ટેજ પ્રોગ્રામ નિહાળવા આવતા લોકોને અડચણ ઉભી થાય નહીં. તારીખ 30 માર્ચથી 2 એપ્રિલ સુધી દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જેમાં ઉત્તર-પૂર્વીય 8 રાજ્યોની 16 ટીમો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. ઉત્તર પૂર્વીય રાજ્યોમાંથી આવેલા આ તમામ કલાકારોને રહેવા, જમવાની તથા આવવા જવા માટેની ખાસ વ્યવસ્થા પણ અહીં ઉભી કરવામાં આવી છે. આ સાથે કૃષ્ણ-રુક્મણિજીના વિવાહ પ્રસંગે કલાકારો દ્વારા મલ્ટી મીડિયા શો યોજવામાં આવશે.
આજે સાંઈરામ દવેની હાસ્યકલા ના રંગ પાથરશે: લોકપ્રિય કલાકારો દ્વારા દરરોજ સાંજે હાસ્યકલા અને લોક ડાયરાઓ રજૂ કરવામાં આવશે. જેમાં આજે સાંઈરામ દવે અને લલીતા ઘોડાદ્રા, 31 માર્ચના રોજ કિર્તીદાન ગઢવી અને જગદીશ ત્રિવેદી, 1 લી એપ્રીલના રોજ ગીતા રબારી અને બીહારીદાન ગઢવી તથા 2 એપ્રીલના રોજ આદિત્ય ગઢવી અને અનિરૂદ્ર ગઢવી આવશે. રાજયના રમતગમત વિભાગ દ્વારા સમુદ્ર કિનારાની બિચ ગેમ્સ યોજવામા આવી છે. જેમાં બીચ વોલીબોલ, નાળીયેર ફેંક, દોડ, જૂડો, ટેક હોન્ડો એમ 6 રમત રમાશે.
લોકો મેળો માણી શકે તે માટે સરકાર દ્વારા વિનામુલ્યે બસ સુવિધા પુરી પાડવામા આવી છે. જેમાં અલગ અલગ દિવસોમાં અલગ અલગ જિલ્લાઓમાંથી બસ સુવિધા આપવામા આવશે. તા. 30ના રોજ પોરબંદર જિલ્લામાંથી 100 બસ માઘવપુરના મેળા માટે ફાળવવામાં આવી છે. જેમાં પોરબંદરથી 50 બસ, રાણાવાવથી 20 અને કુતિયાણાથી 30 બસ આ ઉપરાંત પોરબંદર શહેરમાંથી 13 નાની બસ ફાળવવામાં આવી છે. જે મેળાનાં આવાગમન માટે મુસાફરોને વિનામુલ્યે સુવિઘા પુરી પાડશે. 31મી માર્ચના રોજ ગીર-સોમનાથ જિલ્લાથી 70 બસ, 1લી એપ્રીલના રોજ રાજકોટ જિલ્લાથી 70 બસ, 2જી એપ્રિલે જુનાગઢ જિલ્લાથી 60 બસ તથા 3જી એપ્રિલે દેવભુમીદ્વારકા જિલ્લાથી 100 બસ માઘવપુરનાં મેળામાં મુસાફરો માટે ફાળવવામાં આવી છે. આમ માઘવપુરના મેળા માટે કુલ 413 બસો ફાળવવામાં આવી છે. મેળા દરમિયાન સુરક્ષા માટે 11 Dysp, 18 PI, 67 PSI, 892 પોલીસ સ્ટાફ, 628 જી.આર.ડી, એસ.આર.ડી તથા 131 હોમગાર્ડ ફરજ બજાવશે.
હસ્તકલાના સ્ટોલઃ એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર આધારિત હસ્તકલા હાટ બનાવવામાં આવ્યું છે.જેમાં ઉત્તર પૂર્વીય રાજ્યોના હસ્તકલાના કારીગરો માટે 100 સ્ટોલ ઊભા કરાયા છે. જેમાં 200 જેટલા કારિગરોને વિનામૂલ્યે જગ્યા ફાળવવામાં આવી છે. આ ઉપરાંત ચકડોળના મેદાન તથા સ્ટોલ માટે હરાજી કરવામાં આવી હતી. જેમાં એક મેદાન ચકડોળો માટેનું છે. જેની હરાજી 18.75 લાખમાં થઈ છે. આ ઉપરાંત 120 સ્ટોલની હરાજી થઈ છે. જેમાં 50 ફૂડ સ્ટોલની હરાજી 19.72 લાખમાં તથા રમકડા અને હેન્ડીક્રાફ્ટ માટેના 50 સ્ટોલની હરાજી રૂપિયા 14.88 લાખમાં કરવામા આવી છે. આ ઉપરાંત સરકારી ટોકન ભાવે સખી મંડળો માટે 19 ટોલ ફાળવવામાં આવ્યા છે. જેનું 5 દિવસનું ભાડું સ્ટોલદીઠ રૂા. 2500 છે.
12 હજાર લોકો એક સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળી શકે તેવી વ્યવસ્થાઃ માધવપુરમાં 12 હજાર લોકો એક સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળી શકે તેટલી બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ એક સાથે પાંચ હેલિકોપ્ટર ઉતરાણ કરી શકે તેવા પાંચ હેલિપેડ બનાવવામાં આવ્યા છે. 5 દિવસ દરમિયાન ગુજરાત ઉપરાંત 8 રાજ્યોના ખ્યાતનામ કલાકારો દ્વારા વિવિધ કલાકૃતિઓ પ્રસ્તુત કરાશે.હાલ મેળામાં રાષ્ટ્રીયકક્ષાના મહાનુભાવો આવનાર હોવાથી વહીવટી તંત્ર એલર્ટ છે. અહીં 5 હેલિપેડ બનાવાયા છે. ડોમ બેઠક વ્યવસ્થાની કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ મેળામાં આવતા લોકો માટે આરોગ્ય અને પીવાના પાણી સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. સાથો સાથ 100 જેટલા વિવિધ હસ્તકલાના સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા છે.