

આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : બનાસકાંઠામાં ભાભર નગરપાલિકાની ચૂંટણી દરમિયાન મતદાન મથક પાસેથી એક ભાજપના સિમ્બોલ વાળું નકલી ઇવીએમ ઝડપાયું હતું. નકલી ઇવીએમ ઝડપાતા કોંગ્રેસના કાર્યકરોએ ભારે હંગામો મચાવ્યો હતો. જોકે બાદમાં પોલીસે આવી સમજાવતા મામલો થાળે પાડયો હતો.


ભાભરમાં આજે નગરપાલિકાની ચૂંટણી દરમિયાન મતદાન મથક પાસેથી ભાજપના સિમ્બોલ વાળું નકલી ઇવીએમ ઝડપાયુ હોવાની ઘટના સામે આવી છે. જેમાં કેટલાક લોકો શાળા નંબર 2 લૂંદરિયા વાસ પાસે ભાજપના સિમ્બોલ વાળા ઇવીએમથી લોકોને સમજાવી ભાજપ તરફી મતદાન કરાવતા હોવાનું જાણવા મળતાં જ કોંગ્રેસ કાર્યકરો ત્યાં પહોંચતા ભાજપ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે હંગામો મચ્યો હતો.


જે દરમિયાન ભાજપ કાર્યકર્તા ઇવીએમ બાજુમાં આવેલ ઘરના નળિયા પર ફેંકી ત્યાંથી નાસી ગયો હતો. બનાવને પગલે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિત કોંગ્રેસ આગેવાનો દોડી આવતા હોબાળો મચ્યો હતો.