કિંજલ કારસરીયા, જામનગર : News18 ગુજરાતીની ટહેલ બાદ ધૈર્યરાજસિંહની મદદ માટે યુવાનો રસ્તા પર ઠેરઠેર લોકો પાસેથી સહયોગ મેળવી રહ્યા છે. છેલ્લાા બે દિવસથી જામનગરમાં બે લાખથી વધુની રકમ એકત્રિત કરવામાં આવી છે. હજુ પણ જામનગરના વિવિધ રસ્તાઓ, બસ સ્ટેન્ડ અને ઉદ્યોગ વિસ્તારમાં યુવાનો લોકો પાસેથી યથાશક્તિ રકમ એકત્રિત કરીએ નાના બાળક ધૈર્યરાજની મદદ કરી માનવતા મહેકાવી રહ્યા છે
News 18 ગુજરાતીની હાકલ બાદ જામનગરમાં ક્ષત્રિય સમાજના યુવાનોએ ધૈર્યરાજની મદદ અર્થ 2 લાખથી વધુ રકમ અત્યાર સુધીમાં એકત્ર કરી લીધી છે. ગંભીર બીમારી સામે ઝઝુમતા ધૈર્યરાજસિહ માટે કરોડોનો સારવાર ખર્ચ પરિવારને પોસાય નહી એટલો ખર્ચ હોવાનું સામે આવ્યા બાદ સમગ્ર ગુજરાતમાં રકમ ભેગી કરવામાં આવી રહી છે. જેમાં જામનગરના ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા જામનગરમાં વિવિધ રસ્તાઓ પર એસ.ટી.ડેપો અને વિવિધ સ્થળોએ હાથમાં ડબ્બાઓ અને ધૈર્યરાજને મદદ માટેના બેનરો સાથે લોકો પાસેથી યથાશક્તિ આર્થિક સહાય એકત્ર કરી રહ્યા છે.
જામનગરમાં અત્યાર સુધીમાં 2 લાખથી વધુ રકમ એકત્ર કરવામાં આવી છે. જામનગરના રાજપુત યુવા અગ્રણી શક્તિસિંહના જણાવ્યા પ્રમાણે જામનગરના ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા ઠેર ઠેર ડોનેશન માટે યુવાનોએ જઈ ફંડ એકત્ર કરવા આયોજન કર્યું છે. જેમાં નગરજનો તેમજ હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો પાસેથી રકમ ઉઘરાવી હતી અને ટીપે ટીપે સરોવર ભરાય તેમ નાની નાની મદદનો આંક એકત્ર કરતા બે લાખથી વધુ રકમ એકત્ર થવા પામી છે. જે ધૈર્યરાજને સારવાર માટે અર્પણ કરવામાં આવશે.