

અંકિત પોપટ, રાજકોટ : કોરોના મહામારીના કારણે અનેક લોકોના ધંધા રોજગાર પર માઠી અસર પડી છે. જે માઠી અસર આજે પણ યથાવત જોવા મળી રહી છે. રાજકોટમાં પાણીપુરીના ધંધા કરતા યુવાને આર્થિક ભીંસથી કંટાળીને ગળે ફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવ્યું છે.


રાજકોટ શહેરના મવડી ગામે રહેતા ઉત્તર પ્રદેશના યુવાન પ્રેમ બાબુભાઈ નીશાદે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મવડી ગામે કણકોટ રોડ પર સ્મશાનની બાજુમાં પોતાના બનેવી સાથે રહેતા પ્રેમ નામના યુવાને આપઘાત કરી લીધો છે. પ્રેમને તેનો મિત્ર જ્યારે બોલાવવા તેની ઓરડી પાસે ગયો ત્યારે દરવાજો ખોલતા જ પ્રેમની લટકતી હાલતમાં લાશ જોવા મળી હતી. ત્યારે તેણે તાત્કાલિક 108ને ફોન કર્યો હતો. ઘટના સ્થળ પર પહોંચેલી 108ની ટીમે યુવકને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર બનાવની જાણ રાજકોટ પોલીસને કરવામાં આવી હતી. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે પ્રથમ પંચનામાની કાર્યવાહી કરી હતી. ત્યારબાદ લાશને પોસ્ટ મોર્ટમ અર્થે શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી.


પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક પ્રેમ તેના બનેવી સાથે રાજકોટમાં રહેતો હતો. રાજકોટમાં તે છેલ્લા ઘણા સમયથી પાણીપુરીના ધંધા સાથે સંકળાયેલો હતો. આર્થિક ભીંસથી કંટાળીને તેણે પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.