

અંકિત પોપટ, રાજકોટ : રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં સર્જાયેલ અગ્નિકાંડ મામલે રાજકોટ તાલુકા પોલીસે નામાંકિત 3 તબીબોની ધરપકડ કરી છે. ત્રણેય નામાંકિત ડોક્ટરોના RTPCR ટેસ્ટ નેગેટીવ આવતા ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટમાં ગુરુવારે મોડી રાત્રે ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગનો બનાવ સામે આવ્યો હતો. આગમાં પાંચ દર્દીઓના મૃત્યુ નિપજયા હતા. રાજ્ય સરકાર દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા મૃતકોના પરિવાર માટે સહાય પણ ઘોષિત કરવામાં આવી હતી.


રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે. જે એસઆઇટીની તપાસમાં અગ્નિકાંડ મામલે હોસ્પિટલ તંત્રની કેટલીક ગંભીર બેદરકારીઓ સામે આવી છે. જે ગંભીર બેદરકારી સામે આવતા હોસ્પિટલ તંત્ર સાથે જોડાયેલા પાંચ નામાંકિત ડોક્ટરો વિરુદ્ધ કલમ 304 (અ) તેમજ કલમ 114 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે આજરોજ રાજકોટ તાલુકા પોલીસ દ્વારા નામાંકિત ડોક્ટર પ્રકાશ મોઢા, ડોક્ટર વિશાલ મોઢા તેમજ ડોક્ટર તેજસ કરમટાનો આર ટી પી સી આર ટેસ્ટ નેગેટીવ આવતા ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે. રવિવારના રોજ સાંજના સમયે ત્રણેય આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. તેમની પુછપરછ પણ શરૂ કરવામાં આવી હતી. ત્યારે આવતીકાલે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.


પોલીસ સૂત્રોનું માનીએ તો આવતીકાલે આરોપીઓને કોર્ટમાં પોલીસ રજૂ કરશે. ત્યારે તેમના રિમાન્ડની માંગણી કરવામાં નહીં આવે. કારણ કે તપાસના કામે પોલીસને જે કંઈ પણ પૂછપરછ કરવાની હતી. તે પૂછપરછ આવતીકાલે સવારે 10 વાગ્યા સુધીમાં પૂર્ણ થઈ જશે. તમામ આરોપીઓ વિરુદ્ધ જે કલમ હાલ પોલીસે લગાડી છે. તે જામીન પાત્ર હોવાથી આવતીકાલે સંભવતઃ તમામ આરોપીઓને કોર્ટમાંથી છુટકારો પણ મળી શકે તેમ છે. ત્યારે આવતીકાલે સરકારી વકીલ અગ્નિકાંડની ગંભીરતાને લઈ કોઈ વિશેષ દલીલ કરે છે કે કેમ તે જોવું રહેશે. તો સાથે જ જ્યારે આ ઘટના અંગે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હોઇ ત્યારે આવતીકાલે નીચલી કોર્ટ દ્વારા ક્યાં પ્રકારનો ચુકાદો સંભળાવવામાં આવશે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.