

રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી નર્મદાની મુખ્ય અને માઈનોર કેનાલ (Narmada canal) પસાર થાય છે. આ કેનાલ આશરે 15 વર્ષથી બનીને તૈયાર છે પરંતુ બન્યા બાદ તેમા એક ટીપુ પણ પાણી આવ્યું નથી. જેથી ખેડુતોને (farmer) ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે અને પાણીના અભાવે ઉભા મોલ સુકાઈ રહ્યાં છે. આ અંગે ખેડુતોએ અવાર-નવાર નર્મદા વિભાગનાં અધિકારીઓને જાણ કરી હોવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી. આ સાથે ચોમાસામાં કેનાલમાં પાણી ભરાઇ જતા તે પાણી આસપાસનાં ખેતરોમાં ફરી વળે છે જેનાથી પણ ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવે છે.


લખતરના ધડમોચી વિસ્તારમાં વઢવાણ તાલુકાના રામપેપર મિલ પાસેથી નીકળતી નર્મદાની માઇનોર કેનાલ ત્રણ ગામડામાંથી પસાર થઈને લખતરના ધડમોચી પાસે આવે છે. આ કેનાલ બન્યાને આશરે 15 વર્ષથી બની હોવા છતા આજ સુધી એક પણ ટીપું પાણી આવ્યું નથી. જ્યારે આ કેનાલ એક ખેડૂતની વચ્ચે બનાવી દેવામાં આવી છે જેથી ખેતરના બે ભાગ થઇ ગયા છે. જ્યારે બીજી બાજુ જવા કોઇપણ રસ્તો બનાવવામાં આવ્યો નથી જેથી ફરીને ખેડૂતને અન્ય ભાગમાં જવુ પડે છે. પોતાના ખેતરને બે ભાગમાં વહેંચ્યુ તો પણ અત્યાર સુધી એકપણ ટીપુ પાણી હજી આવ્યું નથી. ત્યારે આ કેનાલની આસપાસનાં ગામના ખેડૂતો નર્મદા વિભાગ દ્વારા યોગ્ય પગલા ભરાય તેવી માગણી કરી છે તો પણ કોઇ યોગ્ય નિકાલ આવતો નથી.


ખેડુતોને નર્મદા કેનાલ દ્વારા પાણી નહિં મળતાં પાક સુકાતા હાલત કફોડી બને છે. એક તરફ ખેડુતો પાકવિમાની રાહ જૂએ છે અને બીજી બાજુ નર્મદા નિગમના અધિકારીઓને કારણે પાયમલ થવાના આરે આવી ગયા છે. ત્યારે કેનાલમાં પાણી પુરૂ પાડવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.


આ અંગે ખેડૂત પ્રકાશભાઇ જણાવે છે કે, આ કેનાલ બનાવવા માટે મારા ખેતરનાં બે ભાગ પડી ગયા છે અને એક ખેતરમાંથી બીજામાં જવાનો કોઇ જ માર્ગ પણ નથી. આ ઉપરાંત આ કેનાલ બની છે તેનાથી કોઇ ખેડૂતને ફાયદો પણ નથી થયો. કેનાલમાં ક્યારેય પાણી નથી આવ્યું તો શું કામ આ કેનાલ બનાવી. અમે તંત્રને અનેકવાર રજૂઆત કરી છે પરંતુ કોઇ જ જવાબ મળતો નથી.