

હરિન માત્રાવાડિયા, રાજકોટ : રાજકોટમાં બુધવારે સવારે કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ આવી પહોચશે ત્યારે રિજનલ સેન્ટર પર કોરોના રસીને આવકારવા અનોખી તૈયારીઓ કરવામાં આવી છે. વેકસીન સેન્ટરને સુશોભીત કરવામાં આવ્યું છે અને વેકસીન વેનને પણ સજાવવામાં આવી છે. મહત્વનું છે કે કોરોના કાળમાં જેની લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી તે વેક્સીન કાલે રાજકોટ આવી પહોંચશે. સૌરાષ્ટ્રમાં મોકલવામાં આવનારી કોરોનાની વેક્સિન જ્યાં રાખવામાં આવશે તે રિજિયોનલ રૂમમાં તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવી છે.


સૌરાષ્ટ્ર ઝોન માટે કોવિશિલ્ડના 77 હજાર ડોઝની ફાળવણી કરવામાં આવશે. જ્યાં વેક્સિન સ્ટોરેજ રાખવામાં આવ્યું છે તે જગ્યાને પ્રતિબંધિત જગ્યા જાહેર કરવામાં આવી છે. વેક્સિનનો જથ્થો રાજકોટ પહોંચ્યા બાદ જથ્થાને અલગ અલગ જિલ્લાને વહેંચી દેવામાં આવશે. કોરોનાની રસી આવે તેના સંગ્રહ માટે રાજકોટમાં ગવર્મેન્ટ પ્રેસ નજીક આવેલી આરડીડીની ઓફિસમાં રિજિયોનલ સ્ટોર બનાવવામાં આવ્યો છે. અહીં રસી રાખવામાં આવશે. અહીંથી રસીનું અન્ય જિલ્લાઓમાં ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે.


આગામી 16 તારીખથી રસીકરણ શરૂ કરવામાં આવશે અને તે માટે રસીનો પ્રથમ જથ્થો ગાંધીનગરથી રાજકોટ આવી પહોંચશે. રાજકોટથી કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી સહિતના સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે. જ્યાં આ રસી જિલ્લા મથકોએ રાખવામાં આવશે. જે બાદમાં જે તે જિલ્લા મથકથી નગરપાલિકા વિસ્તારમાં પહોંચાડવાની જવાબદારી સંબંધિત જિલ્લા આરોગ્ય અધિકારીઓ અને કલેક્ટરોને સોંપવામાં આવી છે. કોરોના વેક્સિનનો સૌ પ્રથમ જથ્થો આજે અમદાવાદ પહોંચી છે અને તેની 24 કલાકની અંદર જ રાજકોટ એરપોર્ટ પર પણ કોવિશિલ્ડ રસીના 77,000 ડોઝ આવશે. ત્યાંથી સૌરાષ્ટ્રમાં ફાળવાશે.


કેન્દ્ર સરકારે કોવિશીલ્ડ રસીનો 1.10 કરોડ જેટલા ડોઝનો ઓર્ડર સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને આપ્યો છે. જેમાંથી ગુજરાતને 5.41 લાખ ડોઝ ફાળવાયા છે. રાજકોટથી 8 જિલ્લા અને 3 મહાનગરપાલિકામાં વેક્સિન સપ્લાય કરવામાં આવશે. રાજકોટ સ્થિત વેક્સીન સ્ટોરમાં પ્લસ 2થી 8 સેન્ટીગ્રેટ તાપમાનમાં સ્ટોર કરવા માટે બે વોક ઈન કુલર અને ત્રણ આઈસ લાઈન રેફ્રિજરેટર કાર્યરત છે. જેમાં અંદાજિત બે લાખ વાયલ સ્ટોર કરવાની કુલ ક્ષમતા છે. આ સ્ટોરમાં માઈનસ 15 થી 25 સેન્ટિગ્રેડ તાપમાનમાં સ્ટોર કરવા માટે 6 ડીપ-ફ્રીઝર કાર્યરત છે. જેમાં કુલ અંદાજીત 1 લાખ વાયલ તાપમાનમાં સ્ટોર કરવાની કુલ કેપેસિટી હોવાનુ ડો. મહેતાએ જણાવ્યું છે. એક WIF રાજ્ય સરકાર તરફથી ફાળવવામાં આવ્યું છે.