અંકિત પોપટ, રાજકોટ :હાલ રાજકોટ (Rajkot) સહિત સમગ્ર દેશભરમાં કોરોનાએ (coronavirus) હાહાકાર મચાવ્યો છે. ત્યારે દિન પ્રતિદિન હજારોની સંખ્યામાં કોરોના સંક્રમિત દર્દીઓના મૃત્યું થઈ રહ્યા છે. જે તમામની અંતિમ વિધિઓ ઇલેક્ટ્રિક, ગેસ અથવા તો લાકડાના ઉપયોગ દ્વારા કરવામાં આવે છે. ત્યારે વધતા જતા લાકડાના ઉપયોગને ટાળવા રાજકોટની સામાજીક સંસ્થા દ્વારા પર્યાવરણને (environment) બચાવવા ગાયના છાણથી બનાવેલી સ્ટીકનો ઉપયોગ અંતિમ વિધિ માટે કરવાની હાકલ કરવામાં આવી છે. જે બાદ અનેક લોકોએ આ સ્ટિકનો ઉપયોગ કર્યો છે.
રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 66 જેટલા કોરોના સંક્રમિત દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ નિપજયા છે. ગઈકાલે રાજકોટમાં 67 જેટલા દર્દીઓના મૃત્યુ નિપજયા હતા. જે પૈકી ઓડિટ કમિટી દ્વારા દસ જેટલા દર્દીઓના મૃત્યુનો માત્ર કોરોનાના કારણે થયા હોવાનું રિપોર્ટમાં જણાવ્યું હતું. કોરોના મહામારીના કારણે લોકોને રિપોર્ટ કરાવવા માટે કલાકો સુધી લાઈનમાં ઉભુ રહેવું પડે છે. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ કલાકો સુધી મેડિકલમાં દવા માટે લાઇનમાં ઊભા રહેવું પડે છે. સાથોસાથ તબીબોને બતાવવા માટે પણ કલાકો સુધીનું હાલ વેઇટિંગ જોવા મળી રહ્યું છે. દર્દીની પરિસ્થિતિ ખરાબ થતાં હોસ્પિટલમાં સારવાર અર્થે તેને લાંબી લાઈનમાં પરિવાર સાથે ઉભુ રહેવું પડે છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થતાં અંતિમ ક્રિયા માટે સ્મશાન એ પણ તેના મૃતદેહને કતારમાં ઉભા રહેવું પડે છે.
રાજકોટ શહેરમાં હાલ ચાર જેટલા સ્મશાનો કોરોના દર્દીઓના મૃત્યુ થતા તેની અંતિમ ક્રિયા માટે અનામત રાખવામાં આવ્યા છે. તો નોન કોવીડ દર્દીઓની અંતિમ ક્રિયા માટે પણ હાલ સ્મશાન માં વેઇટિંગ જોવા મળી રહ્યું છે. આમ, સતત અંતિમ ક્રિયાઓના કારણે ઇલેક્ટ્રિક - ગેસ આધારિત સ્મશાનોમાં ચિમનીઓ બળી ચૂકી છે. તો લાકડાનો ઉપયોગ પણ બહોળા પ્રમાણમાં વધ્યો છે. ત્યારે વધતા જતા લાકડાના ઉપયોગ સામે સામાજિક સંસ્થાના આગેવાનો દ્વારા લોકોને ગોબરની સ્ટીકનો અંતિમ વિધિમાં ઉપયોગ કરવાની હાકલ કરી છે. ત્યારે સામાજીક સંસ્થા દ્વારા કરવામાં આવેલી હાકલને લોકોનું સમર્થન મળી રહ્યું છે અને તેના જ કારણે લોકો પોતાના સ્વજનોની અંતિમવિધિ માટે લાકડા કરતા ઉપરની સ્ટીકનું પ્રમાણમાં વધુ ઉપયોગ કરતા થઈ ગયા છે.
News18 ગુજરાતી સાથેની વાતચીતમાં દિલીપ સખીયાએ જણાવ્યું હતું કે, હાલ લાકડાના વધુ પ્રમાણમાં ઉપયોગના કારણે વાતાવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે. પ્રાણવાયુને અછત પણ દિન-પ્રતિદિન સર્જાઇ રહી છે. ત્યારે હોળીની માફક લોકો ગોબરની સ્ટિકનો ઉપયોગ અંતિમ વિધિ માટે કરે તે જરૂરી છે. અમારી સામાજિક સંસ્થા દ્વારા રૂપિયા 10 કિલોની સ્ટિક સ્મશાન સુધી પહોંચતી કરવામાં આવે છે. જેનાથી જે ગાયે દૂધ આપવાનું બંધ કર્યું છે તેનો પણ નિભાવ થાય છે અને પર્યાવરણ પણ બચે છે. ત્યારે લોકો જેટલા પ્રમાણમાં ગોબરની સ્ટિક ખરીદશે તેટલા પ્રમાણમાં ગાયોનો નિભાવ ખર્ચ ગૌશાળાના સંચાલકોને ઓછો થશે.