અંકિત પોપટ, રાજકોટ: રાજકોટ શહેરના (Rajkot) માલવિયાનગર પોલીસના પીએસઆઈ સહિત ત્રણ પોલીસકર્મીઓ ઉપર રાજુ ભરવાડ અને તેના સાગરીતો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. માલવિયાનગર પોલીસે FIRમાં 11 જેટલા નામજોગ અને સાત અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. ત્યારે માલવિયાનગર પોલીસે હાલ પાંચ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે કે, અન્ય આરોપીઓની શોધખોળ શરૂ છે. ઝડપાયેલા આરોપીઓના નામ - (૧) રાજુ ઉર્ફે કુકી છેલા શિયાળીયા(૨) ગેલા સામંત શિયાળીયા(૩) માલા ગેલા શિયાળીયા(૪) નયન ખીમજી કરંગીયા(૫) પિયુષ કાંતિ ચૌહાણ
જે ગુના અંતર્ગત કુકી ભરવાડ અને તેના માણસોને ઝડપી પાડવા માટે માલવિયાનગર પોલીસે ગોંડલ રોડ સો ફૂટ રીંગ રોડ પર આવેલી ચામુંડા હોટલ ખાતે પહોંચી હતી. જ્યાં કુકી ભરવાડ તથા તેના સાથીઓ દ્વારા પોલીસ ઉપર સોડાની બોટલો ફેંકી ફરજમાં રૂકાવટ કરી ધમાલ મચાવી હતી. કુકી ભરવાડ અને તેના સાગરીતો દ્વારા આડેધડ બોટલોના ઘા થતા પીએસઆઇ ઝાલાને માથામાં ઇજા પહોંચી હતી. ઇજા પહોંચવાના કારણે તેઓ લોહીલુહાણ થઇ ગયા હતા. તેમ છતાં માલવિયાનગર પોલીસે રાજ ઉર્ફે કૂકીને દબોચી લીધો હતો. પીએસઆઇ ઝાલાને ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક અસરથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને માથાના ભાગે ચાર જેટલા ટાંકા લેવામાં આવ્યા હતા.
શું હતો સમગ્ર મામલો - રાજકોટ શહેરમાં શુક્રવારના રોજ આનંદ બંગલા ચોકમાં કારખાનેદાર અને તેમના પિતાની કાર આંતરી રિક્ષાચાલક સહિતના શખ્સોએ ધોકા પાઇપ ફટકારી કારખાનેદારના હાથ-પગ ભાંગી નાખ્યા હતા. કારખાનેદારની જમીનમાં રાજુ ઉર્ફે કુકી ભરવાડ નામના શખ્સે કબજો કરી લીધા હોવાની કારખાનેદારે પોલીસને અરજી કરી હતી. જેના કારણે કુકી ભરવાડ પ્લોટ ખાલી કરવો પડ્યો હતો. જે બાબતનો ખાર રાખી કુકી ભરવાડે પોતાના માણસો મારફત કાવતરું ઘડી હુમલો કરાવ્યો હતો.
સમગ્ર મામલે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા પોતાના ઉપર હુમલો થયા હોવા છતાં અને લોહીલુહાણ થઇ ગયા હોવા છતાં પીએસઆઇ વી.કે ઝાલા અને તેમની ટીમના મશરીભાઈ ભેટરીયા સહિતના પોલીસ કર્મીઓએ હિંમતભેર આરોપીઓનો સામનો કરી તેમને ઝડપી પાડવા બદલ રૂપિયા ત્રણ હજારનું રોકડ ઇનામ જાહેર કર્યું છે. ગુરૂવારના રોજ સમીરભાઈ વલ્લભભાઈ અઘેરા નામના કારખાનેદારની ફરિયાદના આધારે માલવિયાનગર પોલીસે રાજુ ઉર્ફે કુકી ભરવાડ, કાળો રિક્ષાવાળો તથા ચાર અજાણ્યા શખ્સો સામે આઈપીસીની કલમ 323, 325, 120b, તેમજ 135 મુજબ ગુનો દાખલ કર્યો હતો.