

અંકિત પોપટ, રાજકોટ : ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ સમયાંતરે દારૂની મહેફિલ અને દારૂનાં જથ્થા પકડાવવાના અનેક કિસ્સાઓ સામે આવતા રહ્યાં છે. થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને આડે હવે થોડા જ દિવસો બાકી છે ત્યારે રાજકોટમાંથી મોટા જથ્થામા વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્લાસ્ટિક બારદાનની આડમાં છૂપાવવામાં આવેલો સાત લાખનો દારૂ તેમજ બિયર ભરેલા ટ્રક સાથે જામનગરના શખ્શની ધરપકડ કરવામાં આવી છે.


ત્યારે ન્યૂઝ18ગુજરાતી સાથેની વાતચીતમાં ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર વિરલ ગઢવીએ જણાવ્યું હતું કે, ન્યૂયર પાર્ટી નજીક આવતી હોવાથી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા દારૂની થતી હેરાફેરી અટકાવવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. જે અંતર્ગત એસ.વી. સાખરા અને તેની ટીમને બાતમી મળી હતી કે, પ્લાસ્ટિકની આડમાં દારૂ અને બિયર મોટા પ્રમાણમાં લાવવામાં આવી રહ્યો છે. ત્યારે ચોક્કસ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ રાજકોટના કુવાડવા રોડ પર આવેલ નવાગામ (બામણબોર) નજીક બાતમી મળેલી ટ્રક નંબરની વોચમા હતી.


ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પાસેથી ટ્રક પસાર થતાં જ તેને રોકવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની તપાસ કરતા ટ્રકમાંથી બ્રાન્ડેડ વ્હીસકી બોટલ નંગ 1056, વ્હીસકી બોટલ નંગ 180, રમની 432 બોટલ, અન્ય બ્રાન્ડની બિયરની બોટલ નંગ 168 કબજે કરવામાં આવી છે. તો સાથે જ ટ્રક તેમજ એક મોબાઈલ ફોન સહિત કુલ 17.11 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તો સાથે જ આરોપી ધર્મેન્દ્ર દિલીપ ભાઈ ગોહિલની ધરપકડ કરવામાં આવી છે.


ત્યારે બુધવારના રોજ આરોપીને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. રિમાન્ડ દરમિયાન તે ક્યાંથી દારૂનો તેમજ બિયરનો જથ્થો લાવ્યો હતો રાજકોટ તેમજ સૌરાષ્ટ્રમાં દારૂ અને બિયરનો જથ્થો કોને આપવાનો હતો અત્યાર સુધીમાં તે કેટલી વખત આ પ્રકારે દારૂની ડિલિવરી કરી ચૂક્યો છે તે સહિતની બાબતોના જવાબ મેળવવામાં આવશે.


ઉલ્લેખનીય છે કે, છેલ્લા દસ દિવસમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે જુદી-જુદી મોડસ ઓપરેન્ડી અપનાવી રાજકોટ શહેર તેમજ સૌરાષ્ટ્રમાં મોટા જથ્થામાં દારૂની ડિલિવરી પહોંચાડનાર આરોપીઓની ધરપકડ કરી છે. તો સાથોસાથ લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો તેમજ ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ તેમજ બિયરનો જથ્થો પણ કબજે કર્યો છે.