Rajkot news: અંકિત પોપટ, રાજકોટ : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી (Zaverchand Meghani) દ્વારા રચિત ચૌદ વર્ષની ચારણ કન્યાનું (Charan kanya) કાવ્ય આજ સુધી લોક જિહવે રમતું નજરે પડે છે. ત્યારે રાજકોટના 90 વર્ષના મખીબેન નામના દાદીની વીરતાને જોતા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત ચૌદ વર્ષની ચારણ કન્યાની કવિતા યાદ આવી જાય છે.
થોડા દિવસો પૂર્વે મખીબેનના આ વિસ્તારમાં આવેલી એક પાનની દુકાને બે જેટલા યુવાનો નશો કરેલી હાલતમાં ઘસી આવ્યા હતા. નશો કરેલી હાલતમાં આવી પાનની દુકાનવાળા વ્યક્તિ સાથે અભદ્ર ભાષાનો પ્રયોગ કરી માથાકૂટ કરવા લાગ્યા હતા. સમગ્ર બાબતની જાણ 90 વર્ષીય મખી બેનને થતાં તેઓ લાકડી લઈને તેની દુકાને પહોંચ્યા હતા અને બંને નશા કરેલા શખ્સોને ત્યાંથી ભગાડયા હતા.
મખી બેનનું કહેવું છે કે, મારા વિસ્તારમાં કોઈપણ અસામાજિક તત્વો દેખાય તો તેને હું ખદેડવાનું કામ કરું છું. આજે જ્યારે યુવાનો નશામાં અવારનવાર ચૂર જોવા મળે છે. ત્યારે મખીબેન નામના 90 વર્ષના દાદીમાં યુવાનોને શરમાવે તેવો જોશ જોવા મળે છે. આ તકે મખીબેનનું ઉદાહરણ જોઈ યુવાનો ગેરકાયદે પ્રવૃત્તિ છોડી દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે તે જરૂરી છે.