પ્રતિશ શીલુ, પોરબંદર : કોરોના મહામારીના કારણે રાજ્યના અન્ય જિલ્લાઓની જેમ પોરબંદર જિલ્લાની તમામ હોસ્પિટલો પણ દર્દીઓથી ભરાઈ ચુકી છે. આ સિવાય અનેક લોકો હોમ ક્વોરન્ટાઇન છે. શહેરની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ કોરોના દર્દીઓ અને તેમા પણ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર તેમજ અન્ય જિલ્લાઓમાંથી આવતા દર્દીઓને જમવાનો પ્રશ્ન વિકટ બની જતો હોય છે. પોરબંદરમાં સારવાર લઈ રહેલા આવા જ દર્દીઓના ફ્કત આશીર્વાદ માટે અને દર્દીઓને નારાયણનું રુપ માની પોરબંદરના જાણીતા કંસાર રેસ્ટોરન્ટ અને સેફરોન રેસ્ટોરન્ટ દ્વારા દર્દીઓ અને તેમના પરિવારજનો માટે જરુરી પોષ્ટીક આહારની પાર્સલ સુવિધા પુરી પાડવામાં આવી રહી છે.
પોરબંદરના કંસાર રેસ્ટોરન્ટમાં સવારે 11 વાગ્યાથી લઈને બપોરના 3 વાગ્યા સુધી દર્દીઓ માટે જરુરી દાળ-ભાત-શાક રોટલી સહિતનો પોષ્ટિક આહાર નિશુલ્ક આપવામાં આવી રહ્યો છે. આવી જ રીતે શહેરના સેફરોન રેસ્ટોરન્ટ દ્વારા બપોર અને અને રાત્રીનુ ભોજન ફ્રી ઓફ ચાર્જથી શહેરની હોસ્પિટલો તેમજ ક્વોરન્ટાઇન દર્દીઓના ઘરે પહોંચાડવાનુ સેવા કાર્ય કરવામાં આવી રહ્યુ છે.
દર્દીઓ પીડા અને મુશ્કેલી જાણી પોરબંદર શહેરની આ બંન્ને જાણીતા રેસ્ટોરન્ટ દ્વારા માનવતા મહેકાવી રીતે ભગીરથ કાર્ય કરી રહી છે. દર્દીઓના પરિવાજનો દ્વારા જણાવવામાં આવ્યુ હતું કે જે રીતે આ રેસ્ટોરન્ટ કોઈપણ પ્રકારના ચાર્જ વગર પોષ્ટિક આહારની સેવા આપી રહી છે તે ખુબજ અઘરુ કાર્ય છે. કોઈપણ પ્રકારના ભેદભાવ વગર પ્રેમથી તમામ લોકોને ભોજનની પાર્સલ સુવિધા આપનાર આ બંન્ને રેસ્ટોરન્ટ સંચાલકોને પોરબંદર જિલ્લાવાસીઓ પણ બિરદાવી રહ્યા છે.