અતુલ જોશી, મોરબી : મોરબીનાં જાહેર માર્ગ પર બાઈક અને મોપેડ ગેંગ દ્વારા સ્ટંટ કરીને કોહરામ મચાવવામાં આવી રહ્યો હતો અને જાહેર માર્ગો પર નીકળતા લોકોને નુકસાન પહોંચે એ રીતે સ્ટંટ કરી વીડિયો બનાવી જુદી જુદી એપ્લિકેશન મારફતે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા હતા. આ વીડિયોના સમાચાર ન્યૂઝ 18 ગુજરાતીમાં પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેના પગલે મોરબી એસપી એસ. આર. ઓડેદરા અને ડીવાયએસપી રાધિકા ભારાઈ દ્વારા બાઈક ચાલકોની ભાળ મેળવવા સૂચના આપી હતી.
આ પછી પોલીસની ટીમે યુવાનોની શોધખોળ હાથ ધરી હતી. જેમાં સ્ટંટબાજ વીડિયો બનાવનારા મોરબીના પંચાસર રોડ નજીક વિસ્તારમાં રહેતા ધનરાજ શાંતુભા મકવાણા અને અવેશ તૈયબભાઈ સામતાણી હોવાનું બહાર આવ્યુ હતું. જે બાદ મોરબી એ ડિવિઝન સ્ટાફે ધનરાજ શાંતુભા મકવાણા અને અવેશ તૈયબભાઈ સામતાણીની ધરપકડ કરી બન્ને વિરુદ્ધ આઈપીસીની કલમ 177, 184 મુજબ ગુનો નોંધ્યો હતો.