કચ્છ: રાજ્યમાં મેધમહેર વચ્ચે કચ્છના અંજારમાં મીની વાવાઝોડું ફૂંકાયું હોય તેવી સ્થિતિ જોવા મળી છે. અહીં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભારે પવનને લીધે અનેક જગ્યાએ વૃક્ષો અને વીજપોલ ધરશાયી થયા છે. વૃક્ષ વીજપોલ ધરશાયી થતાં શહેરનો વીજપુરવઠો ખોરવાયો છે. પશ્ચિમ કચ્છના માંડવી તાલુકામાં પણ ધોધમાર વરસાદ છે. માંડવીના કોડાયમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. ભારે પવનથી મીની વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા છે.
અંજારમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા જેવી હતી. ગાજવીજ સાથે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. અહીં રસ્તા પર નદીની જેમ પાણી વહેતું થયું હતું. બજારોમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો. અંજારમાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ નોંધાયો હતો. કચ્છમાં અંજાર, ભચાઉના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. ભારે પવનને લીધે માંડવી-ગઢસીસા માર્ગ પર વૃક્ષ ધરાશાયી થયો હોવાના સમાચાર છે.
રાજ્યમાં ફરી ચોમાસું જામ્યું છે. કચ્છમાં એટલો વરસાદ ખાબક્યો કે રણમાં પાણીની રેલમછેલ થઇ છે. બજારોમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો જોવા મળ્યો હતો. કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ વરસાદે રમઝટ બોલાવી છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. રાજ્યના 100 તાલુકામાં મેઘમહેર જોવા મળી છે. અંજારમાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ અને ખંભાળિયામાં 2 ઈંચ વરસાદ પડ્યો છે.
બીજી બાજુ, અમદાવાદ શહેરમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. આજે બપોર બાદ કાળા ડિંબાગ વાદળો ઘેરાયા બાદ પવનના સૂસવાટા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદે જાણે સમગ્ર શહેરને ધમરોળ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. અમદાવાદ શહેરમાં જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. શહેરના સાયન્સ સિટીમાં કલાકમાં 3 ઈંચ, બોડકદેવમાં કલાકમાં અઢી ઈંચ વરસાદ, બોપલમાં એક કલાકમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો.