વડોદરા: આજે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનનું (UPSC) ફાઇનલ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. યુપીએસસીના જાહેર થયેલા પરિણામમાં શ્રૃતિ શર્માને પ્રથમ રેન્ક મળ્યો છે. ત્યારે ગુજરાતના (UPSC in Gujarat) યુવાન પણ ઉતીર્ણ થયો છે. કચ્છના માંડવી તાલુકાના નાના એવા વિંગડિયા ગામના યુવાન જયવીર ગઢવીએ (Jayvir Gadhvi) GPSCમાં સમગ્ર રાજ્યમાં ટોપ કર્યા બાદ હવે UPSCની સિવિલ સર્વિસ પરીક્ષા પણ પાસ કરી છે. જયવીરે 25 વર્ષની ઉંમરે 341નો ઓલ ઈન્ડિયા રેન્ક મેળવ્યો છે. ગઢવીની આઈએએસ બનવાની ઈચ્છા છે.
હાલમાં જયવીર ગઢવી વડોદરા જિલ્લામાં ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવે છે. ધો.1થી 5 સુધીનો અભ્યાસ પોતાના ગામની જ પ્રાથમિક શાળામાંથી કર્યા પછી તેમણે ધો.6થી 10નો અભ્યાસ કચ્છની નવોદય વિદ્યાલયમાં કર્યો હતો. તેમણે ધો.11 અને 12 સાયન્સનો અભ્યાસ રાજકોટમાં કર્યો હતો. જેમાં બહું સારા ગુણ આવવાથી તેમને સુરતની NITમાં એડમિશન લીધું. એનઆઈટીમાંથી તેમણે મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી.
મળતી માહિતી પ્રમાણે, NITમાં અભ્યાસ દરમિયાન જયવીરનું અમેરિકાની એક કંપનીમાં પ્લેસમેન્ટ થઈ ગયું હતું. આ કંપનીમાં તેમણે જયપુર ખાતે 10 મહિના સુધી જ જોબ કરી. જયવીર કહે છે કે, પ્રાઈવેટ જોબ દરમિયાન મને લાગ્યું કે, આખો દિવસ કમ્પ્યુટર સામે બેસવું એ મારો હેતુ નથી. મારે દેશની સેવા માટે કાંઇક કરવું છે જેનાથી મને સંતોષ થાય અને અસરકારક રિઝલ્ટ પણ મળે.
ન્યૂઝ18ગુજરાતીની સાથે વાત કરતા જયવીરે જણાવ્યું કે, મારે દેશ માટે કાંઇ કરવું છે તેવું જ વિચારીને હું આ ફિલ્ડમાં આવ્યો છું. મારા જીવનમાં એવા ઘણાં બનાવ બન્યા છે જે બાદ હું સિવિલ સર્વિસ કરવા માટે મોટિવેટ થયો હતો. કચ્છમાં જે ભૂકંપ આવ્યો હતો ત્યારે આ સાથે મારી શાળાના શિક્ષકોએ પણ મને મોટિવેટ કર્યો હતો.