કિંજલ કારસરીયા, જામનગર : 8 માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ (International Women’s Day) જ્યારે સમગ્ર વિશ્વ મહિલાઓના ઉત્થાન માટે વાત કરી રહ્યું હોય ત્યારે આજે જામનગરની (Jamnagar) મહિલાઓ (Women) સંચાલિત એવી બેંકની (Women bank) વાત થાય કે, જે આજે કરોડોનો આર્થિક વ્યવહારનું ટર્ન ઓવર કરી ગુજરાતમાં (Gujarat) અવ્વલ છે.
જામનગરમાં 2 ડિસેમ્બર 1994થી ઊર્મિબેન મહેતાએ પાયો નાખેલ સહકારી ક્ષેત્રની ધી જામનગર મહિલા સહકારી બેંક લી. કે જે અવિરત આજ સુધી આર્થિક અને સામાજિક ક્ષેત્રે મહિલાઓના ઉત્થાન માટે કાર્યરત છે. છેલ્લા 27 વર્ષથી કાર્યરત જામનગરની અગ્રણી સહકારી ક્ષેત્રની ગણાતી મહિલા બેંક કે, જે બેંકના 11 બોર્ડ ઓફ ડિરેક્ટર પણ મહિલાઓ છે.
આ ઉપરાંત જામનગર શહેરમાં જુદી જુદી 3 બ્રાન્ચો ધરાવતી મહિલા બેંકના પરિવારમાં જનરલ મેનેજરથી લઇને પટાવાળા સુધી તમામ 25 મહિલાઓ બેન્કિંગ ક્ષેત્રની સેવાઓ પૂરી પાડે છે. આધુનિક સદીમાં કોમ્પ્યુટર રાઈઝ સિસ્ટમથી સજ્જ મહિલા બેંકમાં મહત્વની વાત એ છે કે, 22 હજારથી વધુ મહિલા સભાસદો આ બેંક ધરાવે છે. તો 10 હજારથી વધુ મહિલા થાપણદારો પણ બેંક સાથે જોડાયેલા છે.
27 વર્ષ પહેલાં શરૂ કરાયેલી જામનગરની મહિલા બેંક ની મુખ્ય શાખાની આજે ત્રણ શાખા પરિવર્તિત થઇ જામનગરમાં વિવિધ વિસ્તારોમાં પોતાની સેવાઓ પૂરી પાડે છે. જામનગર મહિલા બેંકની એક અનોખી વાત કરવામાં આવે તો આજની બેન્કિંગ ક્ષેત્રમાં મોટાભાગના ધિરાણો મેળવતા લોકો પોતાની લોન ભરપાઈ નથી કરતા અને NPA દર પણ અનેક બેન્કોનો ખૂબ ઉચો હોય છે.