કિંજલ કારસરીયા, જામનગર: તાજેતરમાં જ ત્રાટકેલા ટાઉતે વાવાઝોડાએ સૌરાષ્ટ્રના ઉના અને ગીર ગઢડા પંથકમાં તારાજી સર્જયા બાદ હાલ પણ અનેક ગામોમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. તેવા સમયે જામનગરથી સેવાભાવીઓ દ્વારા વાવાઝોડા અને વરસાદથી જ્યાં નુકસાન થયું છે તેવા વિસ્તારના લોકોને જમવા માટે કાચી સામગ્રીના પેકિંગ કરી ખાસ સેવા કરવામાં આવી રહી છે અગાઉ એક હજાર જેટલી કિટો બનાવી ઉના અને આસપાસના અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચાડવામાં આવ્યા બાદ ફરી એક વખત સેવાયજ્ઞ કરી છોટી કાશી ગણાતા જામનગરમાંથી પ્રકોપ પીડિતોની વહારે સેવાભાવીઓ યથાશક્તિ મદદ કરી રહ્યા છે.
ગુજરાતની પ્રજામાં સાચે જ ખુમારી જન્મજાત છે. લોહીમાં છે. આ તો જે લોકોને અનુભવ થાય ક્યારેય કોઈ વડીલ કે કોઈ ગામ ના મોભી નાં મોઢે સાંભળી ત્યારે જ સમજાય. જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારના સેવાભાવી યુવકો દ્વારા ચલાવાતા આદેશ ગ્રુપ દ્વારા તા. ૨૧ મેનાં રોજ સાંજે વાવાઝોડાંથી અસર ગ્રસ્ત વિસ્તારમાં મદદ માટે જવાનું નક્કી કરાયું. હમેશાં મદદ માટે તૈયાર રહેતા અને ક્યારેય નિરાશ ન કરતા દાતાઓને ફોન કરતાં કલ્પી ન હોય એટલી ઝડપથી મદદ મળી. ૧૫ જ મિનિટમાં દરવાજા પાસે રિક્ષા માલ ભરી અને આવી ગઈ. ગ્રુપનાં દરેક સભ્યો લાગી ગયા પોતાના કામમાં. કાચી ખીચડીનાં પડીકા પેકિંગ કરવામાં, તીખા મોરા ગાઠીયા અને ચવાણાનાં પડીકા બનાવામાં લાગી પડયા.
કોઈ બિસ્કીટનાં પેકેટ ગોઠવવામાં તો કોઈ પાણીની બોટલો ગોઠવી કલ્પનામાં વિચાર ન કર્યો એટલી ઝડપે બધું જ કામ પૂર્ણ કરી અને સેવાભાવી સ્વયંસેવકો રાત્રે ગાડીમાં માલ ગોઠવવા લાગી પડયા. ચા પણ જામનગરથી બનાવીને થર્મોશ ભરી ને પહેલાથી જ લઈ ગયા હતા. તે ચા રસ્તામાં એક વાર ગરમ કરીને અને સવારે એ ચા સાથે પાઉં બ્રેડનો નાસ્તો બસ આટલામાં જ સાંજ પાડી દીધી અને સેવા કાર્ય કરતા કરતા લોકોની મદદ કરી બાબરાના માર્કેટયાર્ડમાંથી પણ જામનગરના યુવાનોએ માલ સામાન ખરીદી બકાલાં માર્કેટમાં, બટેકા, ડુંગળી અને મરચાની ગુણી બાચકા ભારી જેને જે હાથમાં આવે તે તરત જ સેવાભાવી સ્વયમ સેવકોએ કુંડલા પાર્સલ માટેની થેલી લઈ આવી અને પેટ્રોલ પંપ પાસે જ બધા બકાલનાં પેકિંગ કરી અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડી જામનગર પરત આવ્યા હતા.
જે ગામનાં નામ કે રસ્તા પણ ન જોયા હોય તેવા જરૂરિયાતવાળા વિસ્તારોમાં રોડ પર પડેલા વૃક્ષો, ઇલેક્ટ્રિક વીજ વાયરો, વીજ પોલ, નાસ થયેલા બગીચા, પેટ્રોલ પંપમાં થયેલું નુકશાન. આ બધુ જોતાં જોતાં ગામમાં જોશીલા જામનગરના જુવાનિયાઓ પહોંચી ગયા અને ગીર પંથકમાં છતડિયા, વડ, ભસાદર, ભેરાઇ, વળતાં હિંડોરણાં ચોકડી પાસેની ઝૂપડપટ્ટી વિસ્તાર અને આ સિવાય રોડ પર વસતા લોકો આ દરેક ને ત્યાં વસ્તુ પહોંચાડવામાં આવી હતી.
ગુજરાતી પ્રજા ના ખમીરતા પણ સેવાભાવીઓ એ જોઈ હતી. જેને જરૂરી નથી એવા લોકો સામે થી મદદ માં જોડાઈ પણ સામે થી ખરી જરૂરિયાતવાળા વિસ્તાર અને ઘર બતાવા આવ્યા. કે ગામ ના આ વિસ્તાર, આ ઘરમાં આપો ત્યાં જરૂરી પણ છે. ટાઉતે વાવાઝોડાના અસરગ્રસ્તોને એક વખત સુધી પહોંચાડયા બાદ ફરી બીજો જથ્થો લઇ અને જામનગરથી જોશીલા યુવાનો ઉના અને ગીર ગઢડા પંથકમાં કાચી ખીચડી, બટાકા, ડુંગળી જેવા શાક બકાલા અને બિસ્કીટ પાણીની બોટલ સાથે પેકિંગ કરી રવાના થયા હતા.