કિંજલ કારસરીયા, જામનગર: કોરોનાકાળમાં અનેક વેપારીઓનો ધંધો ઠપ્પ થઇ ગયો છે જેમાંથી એવા ઘણાં છે જેઓ હિંમત હારી ગયા પરંતુ એવા પણ અનેક કિસ્સાઓ છે જેમાં પરિવાર સાથે મળીને નબળી પરિસ્થિતિમાં પણ મહેનત કરીને આગળ વધવાની આશ નથી છોડી. આવી જ એક પ્રેરણાત્મક વાત છે જામનગરનાં એક પરિવારની. જામનગરમાં સોની બજારમાં હિતેન્દ્રભાઈ મોનાણી પોતાના બન્ને પુત્રો સાથે સોની કામ સાથે સંકળાયેલા હતા. બે પેઢીથી સોનાના વ્યવસાય સાથે સંકળાયેલા આ પરિવારના મોભી હિતેન્દ્રભાઈ મોનાણીએ બીમારીમાં દમ તોડયો બાદમાં આ પરિવારના બંને પુત્રો સોની કામ કરતા હતા પરંતુ હાલ કોરોનાની કપરી પરિસ્થિતિમાં સોની કામ નહીં મળતાં પરિવારના ગુજરાન ચલાવવુ અઘરું બન્યું હતું.
બે ભાઈ અને માતા સાથે વસવાટ કરતા આ સોની પરિવાર હવે ગૃહ ઉદ્યોગ થકી પોતાનું ગુજરાન ચલાવવા માટે મથામણ કરી રહ્યો છે. તો બે છેડા ભેગા કરવા માટે બંને ભાઈઓએ સિક્યુરિટી અને ગ્રેઇન માર્કેટમાં ગોળના વેપારીને ત્યાં મજૂરીકામ કરવા લાગ્યા છે અને માંડ માંડ મહિને 12 હજાર રૂપિયા જેટલું કમાઈ રહ્યા છે. જેમાંથી 7 હજાર રૂપિયા જેટલું તો મકાન ભાડુ ચૂકવે છે અને બાળકોના અભ્યાસ અને ઘર ચલાવવા પાછળ બાકીના પૈસા માંડ માંડ પુરા કરી રહ્યા છે.