હરિન માત્રાવાડિયા, રાજકોટ : કુદરતી આફતોમાં જયારે કોમ્યુનિકેશનના તમામ માધ્યમો નિષ્ફળ થાય ત્યારે સદીઓ પહેલા શોધાયેલ હેમ રેડિયો અસરકારક કામગીરી બજાવવામાં સફળ પુરવાર થયેલ છે. સ્વાભાવિક પ્રશ્ન થાય કે આવું કેમ? હેમ રેડિયો એટલે શું? હેમ રેડિયોને સાદી ભાષામાં સમજાવીએ તો આ એક એવું વાયરલેસ ઉપકરણ છે કે જેના દ્વારા વિશ્વના કોઇ ખૂણે વાત કરવા અને મેસેજ મોકલવા માટે વીજ પુરવઠો, સંચાર સાધનો કે નેટની જરૂર નથી. આ માટે માત્ર જરૂરી છે એક ખાસ પ્રકારનો રેડિયો, એન્ટીના અને કારની 12 વોલ્ટની બેટરી. ઇન્ટરનેટના વળગણના યુગમાં પણ જ્યારે સુનામી, ટાઉતે જેવું વાવાઝોડુ, ભૂકંપ કે જળપ્રલય સર્જાય અને ઉપગ્રહ આધારિત સંદેશા વ્યવહાર ઠપ થાય ત્યારે સેટેલાઇટ ફોન કે નેટ કામ લાગતા નથી તે પણ એટલી જ કડવી વાસ્તવિકતા છે. આવા સમયે છેલ્લી એક સદીથી એક હોબી રૂપે સચવાય રહેલો હેમ રેડિયો એટલે કે એમેચ્યોર રેડિયો જ માનવજીવન બચાવવા અને રાહત કામગીરી માટે સંકટ સમયની સાંકળ પુરવાર થયો છે.
હવે તો હેમ રેડિયોના માધ્યમે ફક્ત વાતચીત જ નહીં ઇ-મેઇલ થઇ શકે છે તે પણ નેટની સુવિધા વગર.વિશ્વમાં ઘટેલી અનેક આપદાઓ અને યુદ્ધોમાં હેમ રેડિયોની સેવા નોંધપાત્ર બની રહી છે. ભારતમાં પણ હેમ રેડિયો સ્ટેશનો ઓપરેટ કરતા અનેક સાહસિકો છે. એક દોઢ દાયકા પહેલા જ્યારે ભયાનક સુનામી ત્રાટક્યું હતું. ત્યારે સમગ્ર દેશની હેમ કોમ્યુનિટી ભારે મદદરૂપ બની હતી. ગુજરાતથી પણ એક ટીમ ગઇ હતી. ઉત્તરાખંડમાં જળપ્રલય આવ્યો ત્યારે પણ રાજકોટ ગુજરાતમાંથી ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમના ભાગરૂપે હેમ રેડિયો ઓપરેટરોની મદદ લેવાઇ હતી. હાલના સમયમાં હેમ રેડિયો સ્ટેશન ચલાવવા યુવાઘનમાં અનેરૂં આકર્ષણ છે. રાજકોટમાં આ હોબી પ્રચલિત બનતા હેમ ઓપરેટરોની સંખ્યામાં વધારો થયો છે. ગુજરાતની સૌથી નાની 12 વર્ષની વયે આ માટેની પરીક્ષા પાસ કરનાર સાક્ષી વાગડિયા પણ રાજકોટની જ છે. કહેવાય છે ને કે મોરના ઇંડાને ચિતરવા ન પડે તેમ આ સાહસિક કાર્યક્ષેત્રમાં આગળ વધવા માટેની પ્રેરણા સાક્ષી વાગડીયાને ઘરમાંથી જ મળેલ હતી. સાક્ષીના પિતા રાજેશભાઇ વાગડીયા 27 વર્ષ વધુ સમયથી હેમ રેડિયો સ્ટેશન ચાલવે છે. સાક્ષી વાગડીયાનો પરીવાર હેમ રેડિયો સ્ટેશન ચલાવવા અને આપાતકાળે દેશના કોઇપણ વિસ્તારમાં સેવા આપવા સદાય તત્પર રહે છે. થોડા વર્ષ પૂર્વે દેશ આવેલ સાયકલોન વખતે પણ સાક્ષીના પિતા રાજેશભાઇ વાગડીયા અને તેની માત્ર 15 વર્ષની ભત્રીજીએ હેમ રેડિયો ઓપરેટર તરીકેની સેવા સુપેરે બજાવી હતી.
47 વર્ષના રાજેશભાઇ વાગડીયા રાલ રાજકોટમાં જ હેમ રેડિયો સ્ટેશન ધરાવે છે. એટલું જ નહીં પણ ડીજીટલ હેમ રેડિયોની આધુનિક ટેકનોલોજીને અપનાવી રહ્યા છે. તેઓ અને પુત્રી સાક્ષી હાલ ગવર્મેન્ટ સ્કુલ અને કોલેજોમાં વિદ્યાર્થીઓને હેમ રેડિયો ટેકનોલોજીથી અવગત કરવા કાર્યક્રમો યોજી આવનારી પેઢીને તેઓના અનુભવ અને જ્ઞાનને હસ્તાંતર કરવાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે. અત્યારના આધુનિક ટેકનોલોજીના સમયમાં સોશિયલ સાઇટો પર માથું ખપાવવામાં સમય બગાડતા યુવાધન માટે હેમ રેડિયો એક અનોખો અનુભવ પુરવાર થઇ શકે. એક સદીથી પણ વધુ પહેલાનો આ હેમ રેડિયોનો ઇતિહાસ ઘણો જ રોચક છે. ઇ.સ. 1888માં રેડિયોવેવ (ઇલેકટ્રો મેગ્નેટીક વેવસ)ના અસ્તિતવને પુરવાર કરનાર જર્મન ભૌતિક શાસ્ત્રના વૈજ્ઞાનિક હિનરચ રૂડોલ્ફ હર્ટઝ પરથી તેની તિવ્રતાને માપવા માટેના યુનિટ વેવઝ પર સેકન્ડને હર્ટઝ નામકરણ અપાયું છે. સમયાંતરે આ અંગેના વિસ્તૃત પ્રયોગો થયા હતા. જેમાં ઇ.સ. 1904માં બોસ્ટનમાં 8 પોલ ઉભા કરી ટ્રાન્સમિશન અને રીસીવર તૈયાર કરી 8 માઇલ સુધી કોમ્યુનિકેશનનો સફળ પ્રયોગ અને માત્ર બે રહોડસ આઇલેન્ડના યુવાનો દ્વારા 1906માં વાયરલેસ સ્ટેશન દ્વારા કોમ્યુનિકેશનનો પ્રયોગ ઉલ્લેખનીય છે. ત્યાર બાદ પશ્ચિમી દેશોમાં હેમ રેડિયો દ્વારા કોમ્યુનિકેશન કરવાનો ક્રેઝ ઘણા સાહસિક યુવાઓમાં પ્રચલિત બન્યો હતો.
વિવિધ કલબો અને સોસાયટીઓ સહીત સેનામાં પણ હેમ રેડિયોનો ઉપયોગ શરૂ થયો હતો. ટાઇટેનિક જહાજની હોનારત બાદ અનિવાર્ય જણાતા અમેરીકન કોંગ્રેસ દ્વારા પ્રાઇવેટ હેમ રેડિયો સ્ટેશન બાબતે મર્યાદાઓ નિશ્ચિત કરતો કાયદો ઇ.સ. 1912માં પસાર કરી અમલી બનાવાયો હતો. વિશ્વમાં ઘટેલી અનેક આપદાઓ અને યુદ્ધોમાં હેમ રેડિયોની સેવા નોંધપાત્ર બની રહી છે. ભારતમાં પણ હેમ રેડિયો સ્ટેશનો ઓપરેટ કરતા અનેક સાહસિકો છે. હાલના આધુનિક ડિજિટલ ટેકનોલોજીના સમયમાં ગુજરાતનું એકમાત્ર ડિજિટલ કોમ્યુનિકેશનની સુવિધા ધરાવતું હેમ રેડિયો સ્ટેશન રાજકોટમાં પણ છે. જેમાં કુદરતી આફતમાં ઇન્ટરનેટ વિના વાતચીત- ઇ-મેઇલ થઇ શકે છે. રાજકોટનું ગૌરવ એવી હાલ 27 વર્ષની સાક્ષી વાગડીયા 21મી સદીના યુવાવર્ગ માટે એક આદર્શ બની રહી છે. આમ કહી શકાય કે હેમ (એમેચ્યોર) રેડિયો સદી પહેલાની શોધ હોવા છતાં હાલના સાંપ્રત સમયમાં અને આવનાર ભવિષ્યમાં પણ પ્રસ્તુત બની રહેશે.