પ્રિતીશ શિલુ, પોરબંદર : ભારતની આપણી મહાન સંસ્કૃતિ અને વારસાને વિસરી આજે આપણું યુવાધન પશ્ચિમિકરણ તરફ દોટ મુકતુ જોવા મળી રહ્યુ છે. તેમા પણ આપણે ત્યા વિદેશ જવાની તો આજે પણ ઘણી ઘેલછા છે. માણસ પોતાના જીવનમાં પૈસા ગમે ત્યારે તે મહેનત કરશે તો કમાઈ શકશે પરંતુ માતા-પિતા પરિવારથી વિશેષ મુલ્યવાન કાંઈપણ ના હોઈ શકે તે વાતને સાબિત કરી છે ઈગ્લેન્ડ છોડીને પોરબંદર જિલ્લાના નાના એવા બેરણ ગામમાં ખેતી-પશુપાલન કરીને રહેતા દપંતીએ. પોરબંદર જિલ્લાના નાના એવા બેરણ ગામે ખેતીકામ અને પશુપાલન કરીને પોતાના પરિવાર સાથે ખુશીથી જીવન પસાર કરી રહેલા રામદે ખુંટી અને ભારતી ખુંટી નામના આ દપંતીનો કિસ્સો અનેક યુવાઓને પ્રેરણા પુરી પાડી રહ્યો છે.
વાત જાણે એમ છે કે,વર્ષ 2006માં રામદે ખુંટી પ્રથમ વખત વર્ક વિઝા પર ઈગ્લેન્ડ ગયા હતા. જ્યાં તેઓએ બે વર્ષ જેટલો સમય નોકરી કરીને યુકેની જીવનશૈલી જોઈ ત્યારબાદ તેઓ પરત પોતાના વતન પરત ફર્યા હતા. ત્યારબાદ 2009માં રામદે ખુંટીના ભારતી સાથે લગ્ન થયા આ દરમયિાન ભારતીબેન ખુંટીનો રાજકોટ ખાતે એરપોર્ટ મેનેજમેન્ટ અને એર હોસ્ટેસનો કોર્ષ પણ ચાલી રહ્યો હતો. ત્યારબાદ ડિગ્રીના અભ્યાસ માટે ભારતીબેન ખુંટીને તેમના પતિ સહિત સાસુ-સસરાએ પણ પ્રેરણા આપતા તેઓ 2010માં પોતાના પતિ સાથે લંડન ગયા. જ્યાં તેઓએ ઈન્ટરનેશનલ ટુરીઝમ એન્ડ હોસ્પિટલીટી મેનેજમેન્ટની ડિગ્રી પૂર્ણ કરી અને સાથે જ તેઓએ બ્રિટીશ એરવેઝ સાથે હિથ્રો એરપોર્ટ પર હેલ્થ એન્ડ સેફ્ટીનો કોર્ષ પણ પૂર્ણ કર્યો.આ સમય દરમિયાન બંન્ને પતિ-પત્નીને સારી જોબ પણ હોવાથી તેઓ સારી રીતે લંડનમાં જીવન જીવી રહ્યા હતા.
તે દરમિયાન જ આ દપંતીને ત્યાં પુત્ર ઓમનો જન્મ થતા પરિવાર ખુશ હતો. પરંતુ આ વૈભવી જીવન શૈલી વચ્ચે પણ રામદેને પોતાના ગામડે રહેતા પોતાના માતા પિતાની ચિંતા સતાવતી હતી કારણ કે, તે પોતાના માતા પિતાનુ એકનો એક જ પુત્ર હતો. તેથી રામદે ખુંટીએ પોતાએ પોતાના વતન પરત ફરવાનો નિર્ણય કર્યો અને આ અંગે તેઓએ પોતાની પત્ની ભારતી ખુંટીને જણાવતા તેઓએ પણ પતિની ખુશીમાં જ પોતાની ખુશી સમજી આ નિર્ણયને આવકારી પોતાની લંડનની જીવનશૈલી છોડીને આ પરિવાર નાના એવા બેરણ ગામે રહેવા આવી ગયો.
માતા-પિતા અને પરિવાર સાથે રહેવાના ધ્યેય સાથે પોતાના વતન સ્થાયી થયેલ આ દપંતીએ પણ ગામડાનો ખેતી-અને પશુપાલનનો વ્યવસાય શરુ કર્યો.પતિ રામદે ખુંટીને તો ખેતીકામ આવડતુ હતુ પરંતુ ભારતીએ આ પહેલા પશુપાલન અને ખેતીકાર્ય નહી કર્યુ હોવા છતા પણ તેઓએ સમય જતા એક ખેડૂતની જેમ તમામ કાર્યો શીખી લીધા અને સમય જતા તેઓએ 2 ભેંસમાંથી આજે તેઓએ વાડીએ 7 ભેંસો રાખી છે. જે ભેંસોને દોહવા તેમને નિરણ નાંખવુ તેમજ ખેતીકામ સહિતના તમામ કામ આજે ભારતીબેન સારી રીતે કરી રહ્યા છે અને આ પરિવાર પશુપાલન અને ખેતીવાડીમાંથી સારી એવી આવક પણ મેળવી રહ્યો છે.
આપણે ત્યા એક એવી માન્યતા પણ રહેલી છે કે, જેઓ વધુ ભણેલા નથી અને જેઓને અન્ય કોઈ કામ નથી આવડતુ હોતુ તેઓ ગામડામાં રહેતા હોય છે. પરંતુ આવી ભ્રમ ભરેલી માન્યતાને દૂર કરવાના ધ્યેય સાથે આપણું ગ્રામ્ય જીવન કેટલુ સુખી સંસ્કારોથી ભરેલુ છે તેની જાણકારી દેશ-દુનિયાને મળે તેવા ધ્યેય સાથે ભારતીબેન ખુંટીને યુ ટ્યુબ ચેનલ બનાવવાનો નિર્ણય પોતાના પતિને જણાવતા આ બંન્નેએ આજથી એક વર્ષ પૂર્વે "લીવ વિલેજ લાઈફ વીથ ઓમ & ફેમેલી" નામની યુ ટ્યુબ ચેનલ શરુ કરી. જેમાં તેઓએ પોતાની ગ્રામ્ય જીવનશૈલી ખેતીકાર્ય,પશુપાલન સહિતના અલગ-અલગ વિડીયો મુક્યા જે વિડીયોને દેશ-દુનિયાના લાખો લોકો લોકોએ નિહાળી રહ્યા છે. આ ચેનલને આજે આટલા સમયમાં જ આજે સાડા નવ લાખ જેટલા સબ્સક્રાઈબર્સ છે.તે વાત સાબિત કરે છે કે,લોકોને ગ્રામ્યજીવન શૈલી,આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ પ્રત્યે કેટલો લગાવ છે.
આજે અનેક એવા માતા-પિતા છે જેઓના સંતાનો વિદેશમાં રહેવાના મોહમાં તેમજ પૈસા કમાવવાની લાયમાં એક વખત પોતાના વતનથી ગયા બાદ ત્યાની જીવનશૈલીમાં પોતાના પરિવારને જ વિસરી ગયા છે તેવા આપણે ત્યા અનેક કિસ્સાઓ છે.ત્યારે યુકેથી અહી સ્થાયી થયેલા આ દપંતીએ જો ઈચ્છયું હોત તો તેઓ ચોક્કસ હજુ પણ ત્યા રહી શક્યા હોત.પરંતુ તેઓએ પોતાના માતા-પિતા પરિવાર સાથે જ તેઓની સાચી ખુશી છે તેવુ સમજીને આજે જે રીતે કુદરતના ખોળે જીવન જીવી રહ્યા છે તે તે વાતની સાક્ષી પુરે છે કે,સાચુ સુખ માત્ર પૈસા નથી પરંતુ માતા-પિતા અને પરિવાર સાથે રહીને જે કિમંતી સમય પસાર કરીને પણ આપણે સારી રીતે આપણુ જીવન જીવી શકીએ છીએ.