રાજ્યમાં (Gujarat) ભરઉનાળામાં Tauktae વાવાઝોડાને કારણે ભારેથી અતિભારે વરસાદ (rainfall forecast) વરસ્યો હતો. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 15થી 20 જૂનની આસપાસ ચોમાસાનું આગમન થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ત્યારે હાલ પ્રિમોનસૂન એક્ટિવિટીનાં (pre monsoon activity) કારણે ગુજરાતનાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે.
અમરેલીનાં વડીયામાં ગઇ કાલે અડધો ઇંચ વરસાદ થયો હતેા. જયારે અમરેલી, બાબરા, કુંકાવાવમા ઝાપટા વરસ્યા હતા. અમરેલી પંથકમા સવારથી તાપ અને બફારો અનુભવાતો હતો પરંતુ બપોર પછી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમરેલીનાં કુંકાવાવ પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા સામાન્ય નાગરિકોએ હાશકારો અનુભવ્યો હતો. અમરેલીનાં કુંકાવાવ, અમરાપુર, નાની કુકવાવ, ઉજલા સહિતના ગામોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો હતો.
ભારતીય હવામાન વિભાગનાં જણાવ્યાં પ્રમાણે, 26 મેથી 1 જૂન વચ્ચે કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું આગમન થશે. જ્યારે ગુજરાતમાં 15થી 20 જૂન વચ્ચે ચોમાસુ બેસી જશે. આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાનું પણ પૂર્વાનુમાન કર્યું છે.IMDએ તે પણ કહ્યું કે, છેલ્લા ત્રણ વર્ષમાં બે વાર ચોમાસાની સિઝનમાં વરસાદ સામાન્ય કરતાં વધારે રહ્યો હતો. તેની સરખામણીએ આ વખતે વરસાદ સામાન્ય રહેવાની શક્યતા છે.