ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ વિરલ ગઢવીએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ એમ.વી. રબારી અને તેમની ટીમના એ.એસ.આઇ જયુભા પરમાર, હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ ઝાલા અને હરદેવસિંહ જાડેજાને બાતમી મળી હતી કે, રાજકોટ શહેરના નવા દોઢસો ફૂટ રીંગ રોડ - 2 ટીલાળા ચોકડી પાસે વાવડી ગામના રસ્તે parsoli મોટર ગેરેજની અંદર ચોરેલા વાહન રાખવામાં આવ્યા છે. જે બાબતની હકીકત મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ મોટર ગેરેજ ખાતે પહોંચી હતી. જ્યાં સંચાલક રાહુલ ભરતભાઈ પટેલની પૂછપરછ કરતા તેની પાસે ગાડીઓના કાગળ નહોતા મળી આવ્યા. જેથી તેની પૂછપરછ કરતા પોતાની પાસે રહેલી ગાડી રાજસ્થાની સખ્સ પાસેથી માર્ચ મહિનામાં ખરીદી હોવાનું તેમજ કાર ચોરોની હોવાનું જણાવ્યું હતું. (આરોપીની ફાઇલ તસવીર)
રાહુલે માત્ર છ લાખમાં સ્કોર્પિયો અને ચાર ચાર લાખમાં બ્રેઝા અને ઇનોવાની ખરીદી કરી હોવાનું જણાવ્યું હતું. રાહુલે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું કે, તેણે રાજસ્થાની શખ્સનો સંપર્ક ફેસબુકના માધ્યમથી કર્યો હતો. હાલ આંશિક લૉકડાઉન હોવાના કારણે તેને ખરીદ કરેલી કાર ગેરેજમાં મૂકી દીધી હતી. ત્યારબાદ તે અઢીથી ત્રણ લાખનો નફો કમાઈને કાર વેચવા માંગતો હતો. બીજી તરફ, તે ગ્રાહકોને કારના લોનના હપ્તા ચડી ગયા હોવાથી પાછી ખેંચી લેવાયેલી હોવાનું જણાવતો હતો. જોકે પોલીસને તેણે જણાવ્યું છે કે, હજુ સુધી તેને એક પણ કારનો સોદો નથી કર્યો.
સાથોસાથ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને એવી માહિતી મળી છે કે, ચાલુ વર્ષે દિલ્હી નોઈડા વિસ્તારના પોલીસ સ્ટેશનમાં 10થી 15 જેટલી મોંઘીદાટ કાર ચોરી થયા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાહુલને ચોરાઉ કાર વેચનાર રાજસ્થાની સખ્સની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચને આશા છે કે, રાજસ્થાની શખ્સ ઝડપાયા બાદ દિલ્હી એનસીઆર ઉત્તર પ્રદેશ હરિયાણા રાજસ્થાન અને મધ્યપ્રદેશ રાજ્યમાંથી ચોરી થયેલી ફોરવીલર કારના અનેક ગુના ડિટેક્ટ થશે.