આખું ચોમાસું ગુજરાત પર ઓળઘોળ રહેલા મેઘરાજા હજુ પણ ખમૈયા કરે એવી સંભાવના નહીંવત છે. આગામી 5 દિવસ રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જોકે, 24 કલાક ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે કચ્છમાં પણ અતિભારે વરસાદની સંભાવના છે. મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર અને મોરબીમાં ભારે વરસાદ વરસી શકે છે. હાલ રાજસ્થાનમાં એક લો પ્રેશર સર્જાયું છે. તો પાકિસ્તાનમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય છે. જ્યારે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 98 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં 151 ટકા, દક્ષિણ ગુજરાતમાં 108 ટકા, ઉત્તર ગુજરાતમાં 99 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. હવામાનની આગાહીના પગલે આગામી 24 કલાક બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને કચ્છમાં ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે તો મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર અને મોરબીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આજે ઓરેન્જ એલર્ટ વચ્ચે બનાસકાંઠાના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. યાત્રાધામ અંબાજીમાં સવારથી જ મેઘરાજાએ મંડાણ કર્યા છે. જેના કારણે દાંતામાં 2 ઈંચ, અમીરગઢમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. અંબાજીની બજારોમાં ફરી એક વખત પાણીની રેલમછેલ જોવા મળી હતી. એક સપ્તાહમાં આ બીજી વખત વરસાદી પાણી બજારમાં ફરી વળ્યા હતા અને નદીની જેમ વેગથી પાણી વહેતું થયું હતું. અંબાજી હાઇવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. મધ્ય પ્રદેશમાં અતિભારે વરસાદની સ્થિતિના કારણે ઓમકારેશ્વર અને ઈન્દિરાસાગર ડેમમાંથી સતત પાણી છોડાઈ રહ્યું છે. ઉપરવાસમાંથી 4 લાખ ક્યૂસેકથી વધુ પાણીની આવક છે. સરદાર સરોવર ડેમની જળ સપાટી 136 મીટરે પહોંચી ગઈ છે. આજે સવારે 10 વાગ્યે સરદાર સરોવર ડેમના 23 દરવાજા 3.05 મીટર ખોલી 5 લાખ ક્યૂસેક પાણી છોડાયું હતું. જ્યારે રીવરબેડ પાવરહાઉસમાંથી 6 યુનિટનું સંચાલન કરીને 45 હજાર ક્યૂસેક પાણી મળી કુલ 5 લાખ 45 હજાર ક્યૂસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે. સરદાર સરોવર ડેમ હાલ 91 ટકા ભરાઈ ચૂક્યો છે અને રૂલ લેવલ જાળવવા માટે વધારાનું પાણી છોડાયું છે.