દિનેશ સોલંકી, ગીર સોમનાથ : આપણામાં એક કહેવત છે કે, 'અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી.' 'પંગુમ લંઘયે તે ગીરી.' આ કહેવતને ગીર સોમનાથનાં (Gir Somnath news)એક દિવ્યાંગ તલાટી (Talati) જગદીશભાઈ વાઢેળે સાર્થક કરી બતાવી છે. ગીરનાં તાલાળા (Talala)તાલુકાના પીખોર ગામના (Pikhor village)તલાટીએ ગામમાં તળાવ બનાવ્યું તો તળાવ કાંઠે હજાર વૃક્ષોનું વાવેતર કરી ગામને નંદનવન બનાવ્યું છે. ચોતરફ હરિયાળી લહેરાઈ રહી છે અને તળાવ પણ છલોછલ પાણીથી ભરાઇ ગયું છે. કોરોનાં મહામારીને કારણે સમગ્ર દેશમાં અને રાજ્યમાં રોજગારી બંધ હતી મજૂર વર્ગ મૂંઝવણમાં હતો, પોતાનું અને પરિવારનું ગુજરાન કેમ ચલાવવું તે પ્રશ્ન હતો. ત્યારે ગત ઉનાળાનાં કપરા દિવસો દરમિયાન તાલાળા તાલુકાનાં પીખોર અને ગુંદાળા ગામનાં શ્રમજીવીઓને ઘરેબેઠા આજીવિકા પ્રાપ્ત થાય તે માટે ગામના તલાટી મંત્રીએ સરકારની યોજના મુજબ જાહેરાત કરી અને 16 લાખ રૂપિયાનાં ખર્ચે તળાવનું 1 હેકટર જમીનમાં નિર્માણ થયું. આ તળાવ બનાવવામાં પીખોર અને ગુંદાળા ગામનાં શ્રમજીવી પરિવારને 100 દિવસની આજીવિકા પણ મળી હતી. પ્રથમ વરસાદે જ આ તળાવ ભરાઈ જતા વિસ્તાર પાણીનાં તળ ઊંચા આવતા શ્રમજીવીઓની સાથે ખેડૂતો માટે પણ આ તળાવ આશીર્વાદરૂપ બન્યું છે.
જોકે એવું નથી કે દિવ્યાંગ તલાટી હોવાથી આસાનીથી બધું થઈ ગયું. આમ પણ સરકારની કોઈ યોજનાની વાત આવે તો લગભગ દરેક લોકો કહેતા હોય છે. કારણ કે અધિકારીઓ પર લોકોને ભરોસો રહ્યો નથી અને આવું જ બન્યું દિવ્યાંગ તલાટી સાથે. ગ્રામસભામાં નક્કી તો કરી નાખ્યું કે પીખોર ગામમાં પાણી સમસ્યા રહે છે અને જેથી તળાવ બનાવવું છે અને એ પણ મનરેગા હેઠળ!. પાણીની વિકટ સમસ્યા હોવાના કારણે મજૂરી પર નિર્ભર ગામ હોવા છતાં ગામમાંથી માંડ માંડ 30-35 લોકો તળાવના ખોદ કામ માટે આવ્યા હતા. જોકે બાદમાં આ તમામ લોકોને યોગ્ય સમયે મહેનતનું મહેનતાણું મળી જતા ગામમાંથી 370 લોકો તળાવના ખોદ કામ માટે આવ્યા હતા. આખરે દિવ્યાંગ તલાટીની મહેનત રંગ લાવી અને તળાવ તૈયાર થયું હતું
પીખોર ગામ આખું મોટેભાગે મજૂર વર્ગનું ગામ છે. તેમજ ગામમાં પિયતના પાણીની સમસ્યા કાયમની હતી. ગામનાં આ દિવ્યાંગ તલાટી આ બાબતથી વાકેફ હતા. સરકારની મનરેગા યોજના હેઠળ તળાવ બનાવવાની મંજૂરી તાલુકામાંથી મેળવી. ગ્રામજનોને રોજગારી સાથે પાણીની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી આપી છે. સાથે એક હજાર જેટલા વૃક્ષો વાવ્યા છે. ગામમાં પાણીની સમસ્યા પણ દૂર થઈ છે. આમ એક તલાટી ધારે તો શું ન કરી શકે...? તેમાં પણ આ દિવ્યાંગ તલાટીએ તો પીખોર ગામને નંદનવન બનાવી દીધું.