દિનેશ સોલંકી, તલાલા: ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના તાલાલા (Talala) પંથકની આબાદી અને સમૃધ્ધિમાં જેનું અગ્રીમ અને સર્વોત્તમ યોગદાન છે તે ગીર પંથકનું અમૃતફળ કેસર કેરીના (Kesar mango) પાકને ચાલુ વર્ષે ઘણું જ નુકશાન થયું છે. જેના કારણે ખેડૂતોએ (Farmers) વળતર ચૂકવવાની માંગણી કરી છે. ગીરની પ્રખ્યાત કેસર કેરીને આ વર્ષે વાતાવરણે વ્યાપક અસર કરી છે જેનાથી 70 ટકા જેટલો કેસર કેરીનો પાક નાશ પામ્યો છે. જેમાં ચાલુ વર્ષો કેસર કેરીના ઝાડ પર ઈયળ, મઘીયો અને નાની જીવાતનાં કારણે વ્યાપક પ્રમાણમાં પાકને મોટો ફટકો પડ્યો છે. તાલાળા પંથકની જીવાદોરી સમાન કેસર કેરી નાશ પામતા કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવી કેરીના ઉત્પાદક ખેડૂતોને યોગ્ય વળતર ચુકવવાની માંગ કરવામાં આવી છે.
તાલાળા પંથકની વિશ્વ પ્રસિધ્ધ કેસર કેરીનો પાક છેલ્લા ઘણા વર્ષોથી ગ્લોબલ વોર્મીંગના ભરડામાં આવી ગયો છે. પરિણામે અનુકુળ આબોહવાના અભાવે છેલ્લા એક દાયકાથી કેસર કેરીના પાકને ઓછાવત્તા પ્રમાણમાં નુક્સાન થાય છે. જેના કારણે આંબાની ખેતી કરતા તાલાલા પંથકના અસંખ્ય ગામોના ખેડુતોએ કેરીના આંબા કાપી અન્ય ખેતી કરવા લાગ્યા છે.
તાલાળાના સંઘ પ્રમુખ,પ્રવીણભાઈ સોડવડિયાના જણાવ્યા પ્રમાણે, ત્યાંના ખેડૂતો જણાવે છે કે, તાલાલા પંથકની ઓળખ સમી કેસર કેરીના આંબાનું કટીંગ થતુ અટકાવવા અમૃતફળ કેસર કેરીને પાક વિમાનું કવચ આપવાની લાંબા સમયથી માંગણી થઈ રહી છે. પરંતુ ચૂંટણી સમયે નેતાઓ આવે અને જાય પરંતુ વીમા કવચ આવતું નથી કે યોગ્ય વળતર પણ આવતી નથી.