અતુલ વ્યાસ, જુનાગઢ : આજ સુધી સેંકડો લોકોએ દ્રષ્ટિ (eye sight) ગુમાવ્યા બાદ તેમના ઓપરેશન કરાવ્યા હશે પરંતુ સિંહની (Gir forest lion eye sight) દ્રષ્ટિ જતા તેનું સફળ ઓપરેશન કરવામાં આવ્યાનો કિસ્સો સામે આવ્યો છે. આ સિંહને રેસ્ક્યુ (lion rescue) કરી તપાસ કરતા તેને કઈ દેખાતું ન હોવાનું સામે આવ્યું હતું. આથી આ સિંહની નેત્રમણી ફિટ કરવા નક્કી કરવામાં આવ્યું હતું. દરમ્યાન અન્ય એક સિંહનું કુદરતી મોત થતા પી.એમ. બાદ તેની આંખ કાઢી તેનું માપ અને અન્ય વિગતો મદુરાઈ લેબોરેટરીમાં મોકલવામાં આવી હતી. ત્યાંથી તે માપની નેત્રમણી આવતા સિંહમાં આરોપણ કરવામાં આવી હતી અને દ્રષ્ટિહીન સિંહને નવી દ્રષ્ટિ મળી છે.
સિંહની વય પાંચેક વર્ષની હતી.અને તે જોઈ ન શકવાથી શિકાર ન કરી શકે તો જંગલમા ન રહી શકે એવી સ્થિતિ થઈ ગઈ હતી.આથી આ સિંહને નેત્રમણી આરોપણ કરી નવી દ્રષ્ટિ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું ડો. રીયાઝ કડીવાર, વેટરનરી તબીબ અને તેની ટીમ દ્વારા ઓપરેશન કરવાનુ નક્કી કરવામાં આવ્યું. દ્રષ્ટિહીન બનેલા સિંહની નેત્રમણી બેસાડવાનું કામ અને તેનું માપ લેવાનું કામ કપરૂ હતું.
નેત્રમણી મદુરાઈ બનતી હોવાનું જાણવા મળ્યું હતું.પરંતુ ત્યાં આંખનું માપ તેમજ અન્ય વિગત મોકલવી પડે તેમ હતી.આ બાબતને લઈને મૂંઝવણ ઉભી થઇ હતી.આ દરમ્યાન ગીર જંગલમાં એક સિંહનું કુદરતી રીતે મોત થયું હતું. આથી આ સિંહના પી.એમ.બાદ તેની આંખો કાઢી આંખના સર્જન તેમજ વેટરનરી તબીબોએ તેના માપ સહિતની વિગતો લઈ મદુરાઈ લેબોરેટરીમાં મોકલી હતી.