હરિન માત્રાવાડીયા, રાજકોટ : રાજકોટ શહેર અને જિલ્લાના નાગરિકોને કોરોનાની વૈશ્વિક મહામારીથી બચાવવા અને સંક્રમિત નાગરિકોને આધુનિક સારવાર અર્થે રાજ્ય સરકારના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોવિડ 19ની સારવાર માટે ભવિષ્યની જરૂરિયાતને ધ્યાને લઇ આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં PDU હોસ્પિટલની 563 બેડની અદ્યતન સુવિધા બાદ હવે જયાં કોરોનાના લક્ષણો વિનાના દર્દીઓને દેખરેખ રાખવામાં આવતી હતી તે સમરસ હોસ્ટેલના આઠ બ્લોકમાં હાલની 1000 બેડની વ્યવસ્થા બાદ જરૂર પડયે વધુ 1000 બેડની અદ્યતન ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલ સુસજજ થઈ શકે તેવી સુવિધા છે.
રાજકોટના કાર્યપાલક ઈજનેર એન.કે કામદારે જણાવ્યું હતું કે સમરસ ખાતે પાણી, વિવિધ લાઇનોનુ ફીટીંગ અને બિલ્ડીંગ સંબંધિત કામગીરી માટે ટીમો બનાવીને જરૂરિયાત મુજબ દરેક સેવાઓ કાર્યરત કરવામાં આવી રહી છે. નાયબ કાર્યપાલક ઇજનેર રાજેશ્વરીબેન નાયર, આસિસ્ટન્ટ એન્જિનિયર પારસ કોઠીયાએ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે સમરસમાં ગર્લ્સ હોસ્ટેલ વિભાગમાં ગ્રાઉન્ડ ફ્લોર સાથે 9 માળના બે બ્લોકમાં સેન્ટ્રલી ઓક્સિજન માટે ઇન્સ્ટોલેશન કામગીરી ચાલુ છે. કુલ 512 બેડમાં આ સુવિધા ઊભી કરવાની નેમ સાથે 232 બેડમાં તો આ કામ પૂર્ણ થઇ ગયું છે. દર્દીઓની સારવાર પણ શરૂ થઈ ગઈ છે.
બીજા બે બ્લોકમા કોરોનાના ઓછા લક્ષણ વાળા દર્દીઓની સારવાર માટે કાર્યરત છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા દર્દીઓને કોઈ મુશ્કેલી ન પડે અને ગરમ પાણીથી માંડીને તમામ સુવિધા મળે એવા અભિગમના ભાગરૂપ દર્દીઓ માટે દરેક માળ પર ગરમ પાણી માટે ગીઝર ફીટ કરવામાં આવ્યા છે. ગરમ પાણીના 50 જગ રોજ અલગથી આપવામાં આવે છે .બધા જ બિલ્ડિંગમાં પાણી મળે અને પુરવઠો સતત ચાલુ રહે તે માટે પમ્પ અને પાણીના ટાંકા ઇન્ટર કનેક્ટ કરવામાં આવ્યા છે. માર્ગ-મકાન વિભાગના પ્લંબર અને વર્ક આસિસ્ટન્ટ ત્રણ શિફ્ટમાં 24 કલાક આ સેવા માટે ફરજ બજાવી રહ્યા છે.
દર્દી અને તેના સગા માટે કોમ્યુનિકેશન તેમજ દરેક માળની જરૂરિયાતની માહિતીની આપ-લે માટે મોબાઈલ અપાયા છે. આ મોબાઈલ કંટ્રોલ રૂમમાં અને દરેક ફ્લોર પર એક એક મોબાઇલ ફ્લોર મેનેજર હસ્તક રહેશે. દરેક નવા દર્દીને એક વેલકમ કીટ આપવામાં આવી રહી છે. જેમાં ન્હાવા ધોવાના સાબુ, નેપકીન, ટુવાલ, ટુથપેસ્ટ, બ્રશ સહિત છ વસ્તુની કિટ છે. જમવાની અને ચા, પાણી ,નાસ્તો, દુધની પણ વહીવટી તંત્ર દ્વારા સુવિધા છે. દર્દીના બેડની ચાદરને રોજેરોજ જંતુનાશક કેમિકલથી ધોવામાં આવે તે વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. કોરોનાની અદ્યતન સારવાર માટે પૂરતા મેડિકલ ઇક્વિપમેન્ટ, સમર્પિત તબીબો પેરામેડિકલ સ્ટાફ, દર્દીઓની પરિવારની જેમ સારસંભાળ સહિતની વ્યવસ્થાઓનુ કાર્ય રાજ્ય સરકારની દર્દીઓ પ્રત્યેની સંવેદના અને પ્રજા વત્સલતાનું દ્યોતક છે.