કિંજલ કારસરીયા, જામનગર: જામનગરના (Jamnagar crime) દરેડ જીઆઇડીસી નજીક મહિલાનો મૃતદેહ સળગાવેલી હાલતમાં મળ્યા બાદ પોલીસ તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. પૂર્વ વાગદતાને તેના પૂર્વ મંગેતરે (ex fiance killed and burned girl) અવાવરૂ જગ્યાએ લઇ જઇને સળગાવી દઈ ઘાતકી હત્યા (murder) કર્યાનુ ખૂલતા સનસનાટી મચી ગઇ છે. જામનગરના જીઆઈડીસી પાસે પાણીના એક ખાબોચીયામાંથી શુક્રવારે સવારે એક યુવતીનો સળગેલો શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ પોલીસ પણ ઉચ્ચ અધિકારીઓ સાથે દોડી હતી. પોલીસે મૃતકની ઓળખ મેળવ્યા પછી હાથ ધરેલી તપાસમાં આ યુવતીને તેના પૂર્વ મંગેતર અને તેના સાગરીતોએ મોતને ઘાટ ઉતારી દીધા પછી પુરાવાનો નાશ કરવા મૃતદેહને સળગાવ્યાની વિગતો બહાર આવી છે.
આ યુવતી તથા તેના ભાઈની ચારેક મહિના પહેલા આરોપી તથા તેની બહેન સાથે સામસામી સગાઈ થઈ હતી. તે સંબંધ કોઈ કારણથી બન્ને પક્ષે તોડી નાખ્યો હતો. ત્યારબાદ બુધવારે સાંજે આ યુવતીને કારખાનેથી આરોપી પૂર્વ મંગેતર બાઈકમાં બેસાડી ગયો હતો અને શુક્રવારે સવારે તે યુવતીનો સળગેલો મૃતદેહ મળ્યો હતો. જેને લઈને પોલીસે આરોપીઓના સગડ મેળવવા તપાસ હાથ ધરી હતી.
જામનગર નજીકના દરેડ જીઆઈડીસી ફેઈઝ-૩ પાસે આવેલા એપલ ગેઈટથી બાલાર્ક નામના કારખાનાની દીવાલ નજીક આવેલા પાણીના એક ખાબોચીયા નજીકથી શુક્રવારે સવારે એક યુવતીનો સળગાવી દેવાયેલો દેહ મળી આવ્યો હતો. જેની પોલીસને જાણ થતા પંચકોશી બી ડીવીઝન પોલીસ તેમજ ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઈ, એલસીબી, એસઓજી પોલીસ કાફલો ધસી ગયો હતો. ત્યાંથી એક યુવતીનો અત્યંત સળગી ગયેલી હાલતમાં મૃતદેહ મળતા પોલીસે મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે ખસેડી મૃતકની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી હતી.
જેમાં આ યુવતી મૂળ જામનગર તાલુકાના કોંઝા ગામના વતની અને હાલમાં દરેડ નજીક મુરલીધર પાર્ક સોસાયટી-2 માં વસવાટ કરતા અમિત જીવરાજભાઈ હીંગળાના 21વર્ષીય બહેન ભારતીબેન ઉર્ફે આરતીબેનનો હોવાનું ખુલતા પોલીસે અમીત જીવરાજ ભાઈનો સંપર્ક કર્યો હતો.અને મૃતદેહ બતાવતા આ યુવાને પોતાના બહેનના દેહને ઓળખી બતાવ્યો હતો. ત્યારપછી પોલીસે આગળ ધપાવેલી તપાસમાં આ યુવતીની તેના પૂર્વ મંગેતર કરણ શંકર સાદીયા નામના શખ્સે સળગાવી નાખી હત્યા કર્યાની વિગતો પ્રકાશમાં આવી હતી.
હાલ પોલીસે મૂળ પોરબંદર જિલ્લાના ટુકડા ગામના વતની અને હાલમાં મુરલીધર પાર્કમાં જ વસવાટ કરતા કરણને દબોચી લઈને તપાસ હાથ ધરતા સામે આવ્યું હતું કે, તેની સાથે ચારેક મહિના અગાઉ આ યુવતીની સગાઈ કરવામાં આવી હતી. જ્યારે આરતીના ભાઈ અમીતની સગાઈ કરણ સાદીયાની બહેન સાથે કરાઈ હતી. તે પછી આ સંબંધ તોડી નાખવાનું બન્ને પક્ષે નક્કી કર્યું હતું અને સપ્તાહ પહેલા સગાઈ તોડવા નિર્ણય કર્યો હતો.
સગપણ તૂટયા પછી કોઇ કરણે ફરીથી આરતીના પરીવારનો સંપર્ક કર્યો હતો. અને ફરીથી સગપણ જોડવાની વાત કરી હતી. પરંતુ અમીત તથા તેના માતાએ સગાઈ કરવાની ચોખ્ખી ના પાડી દેતા કરણ ઉશ્કેરાયો હતો. તે દરમિયાન આરતી જે કારખાનામાં મજૂરીકામે જતી હતી તે રોયલ નામના કારખાને ગયા બુધવારે બપોરે મોટરસાયકલ લઈને પહોંચેલા કરણે કામ પરથી સાંજના સમયે છુટેલી આરતીને મોટરસાયકલમાં બેસાડી લીધી હતી. તે પછી ત્રીજા દિવસે એટલે કે શુક્રવારે સવારે આરતીનો સળગી ગયેલો દેહ મળી આવ્યો હતો. આ દિશામાં પોલીસે વધુ તપાસ કરતા આ યુવતીને કરણ સાદીયા તથા તેની સાથે રહેલા કેટલાક શખ્સોએ જ સળગાવી દીધી હોવાની પાકી આશંકા જણાઈ હતી. આ શખ્સોએ તે યુવતીને કોઈ રીતે મોતને ઘાટ ઉતારી દીધા પછી પુરાવાનો નાશ કરવા મૃતદેહ સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.
કોઈ રીતે મૃતદેહ સરખી રીતે સળગીને ખાખ નહીં થતાં આ શખ્સો દેહને ત્યાં આવેલા પાણીના ખાબોચીયામાંં ફેેકી દઈ પલાયન થઈ ગયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવતા પોલીસે આરોપીના સગડ મેળવવા તપાસ આદરી હતી. હાલમાં પોલીસે અમીત જીવરાજ ભાઈની ફરીયાદ પરથી આઈપીસી 302 અને 201 મુજબ કરણ શંકર સાદીયા તથા તેના સાગરીતો સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.