

સંજય ટાંક, ભુજ : કચ્છમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા વરસાદના કારણે કચ્છના છેવાડાના ગામો સંપર્ક વિહોણા બન્યા છે. આ સંપર્ક વિહોણા ગામના રસ્તા પર પાણી ભરાતા કોઈ જઈ શકતું નથી તેવામાં નેટવર્ક 18ની ટીમ આ ગામોની સ્થિતિ જાણવા પહોંચ્યું હતું. જ્યાં વરસાદી પૂરના પ્રકોપના કારણે ગામો ખાલી થઈ ગયા છે અને લોકો વગરના ગામોના દ્રશ્યો પણ બિહામણા ભાસી રહ્યા છે.


કચ્છમાં પડેલા વરસાદના કારણે અહીંનો બન્ની પ્રદેશ વરસાદમાં ધોવાઈ ગયો છે. બન્નીનું સૌથી મોટું ગ્રાસ લેન્ડ પાણીમાં ગરકાવ થયું છે. સાથે-સાથે બન્ની પ્રદેશના છેવાડાના કેટલાક ગામોમાં વરસાદી પાણી ઘુસ્યા છે. જેમાં શેરવો, નાના સરાડા, મોટા સરાડા, રબૂવાન, બગડિયા ગામમાં પાણીમાં ભરાયા છે. બીજુ કે ગામમાં જવાના મુખ્ય માર્ગ પર પાણીનો ધસમસતો પ્રવાહ ફરી વળ્યો છે. જેથી આ ગામોનો સંપર્ક તૂટી ગયો છે.


ગામમાં નાના વાહનો જઈ શકતા નથી. કોઈ ચાલીને પણ ગામ તરફ જઈ શકતું નથી. કેટલાક સેરડા ગામના લોકોએ છકડા જેવી બોલેરો કારમાં નેટવર્ક 18ની ટીમ ને લિફ્ટ આપી. જેમાં સવાર થઈ ને નેટવર્ક 18ની ટીમ સંપર્ક વિહોણા સેરડા ગામ પહોંચી હતી. જ્યાં ગામમાં કેટલાક વિસ્તારોમાં પાણી તો કેટલાક જગ્યાએ કાદવ કીચડ જમા થઈ ગયો છે. જ્યાંથી પસાર થઈને જવું ખૂબ જોખમ ભરેલું છે.


અહીં ગામના દ્રશ્યો જોતા જ અંદાજ આવી ગયો કે જ્યારે પણ વરસાદ આવે ત્યારે અહીં ગામોમાં પાણી ભરાઈ જતા હશે. જ્યાં પાણીથી બચવા ગામ લોકોએ લાકડાના માયરા બનાવ્યા છે. જ્યારે પણ જળસ્તર વધે તો તેમાં બચીને રહી શકાય. વરસાદની સ્થિતિ અંગે ગામ લોકોને પૂછતાં તેઓએ જણાવ્યું કે અહીં આસપાસના પાંચ ગામમાં આવી સ્થિતિ છે. પાંચેય ગામોની અંદાજે 2 હજારની વસ્તી છે. જેને ઉંચાણ વાળી જગ્યાએ સ્થળાંતર કરી દેવાયું છે. અહીં વરસાદી પાણી ગામમાં આવી જાય છે પણ કોઈ જોવા સુદ્ધા આવતું નથી.