જામનગરમાં ગુરૂવારે રાત્રે નવ વાગ્યાના અરસાથી જ એસટી નજીક એલ.સી.બી અને એસ.ઓ.જી સહિતના પોલીસ કાફલાની ગાડીઓ દોડતી થઇ હતી અને એકાએક એસટી બસ સ્ટેન્ડ સામે આવેલી ગલીમાં યોગેશ્વર એપાર્ટમેન્ટ નજીક બ્લુ કલરની નંબર પ્લેટ વગરની એફ ઝેડ ગાડી સાથે બે શખ્સો શંકાસ્પદ જણાતા એસ.ઓ.જી પોલીસે તેને આંતરીને તપાસ કરી હતી.
જામનગર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે દબોચેલા મોસીન ઉર્ફે મુસો મહેબૂબ રૂમી અને રિઝવાન મોહમ્મદ કોરેજા નામના શખ્સો પાસેથી 20 ગ્રામ જેટલો એમ.ડી પાઉડરનો જથ્થો મળી આવ્યો હતો. જેથી તાત્કાલિક પોલીસે બંને શખ્સોને દબોચી પંચનામું કરી ડિટેઇન કરી પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા. અને આ અંગે મામલતદારની હાજરીમાં જરૂરી પંચનામું પણ કરવામાં આવ્યું હતું.
જામનગરની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે એસટી નજીકથી યોગેશ્વર એપાર્ટમેન્ટ પાસે 2લાખ, 4હજારની કિંમતના 20.04 ગ્રામ એમડી પાઉડરનો જથ્થો, રૂપિયા 60હજારની કિંમતનું એફ.ઝેડ. બાઈક તેમજ 10 હજાર રૂપિયાની કિંમતના બે મોબાઇલ મળી કુલ 2 લાખ,74 હજારની મતા સાથે જામનગરના મોસીન ઉર્ફે મુસો મહેબૂબ રૂમી અને રિઝવાન મોહમ્મદ કોરેજા નામના બન્ને શખ્સોને ઝડપી નશાના કારોબારના મૂળ સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે.