પ્રકાશ સોલંકી, બોટાદ: ગુજરાતમાં (Holi in Gujarat) ગુરૂવારે હોળીની ઉજવણી બાદ આજે ધૂળેટી અને રંગોત્સવ કાર્યક્રમ મનાવવામાં આવશે. જેમાં મોટાભાગના મંદિરોમાં ભગવાન માટે ફૂલડોલ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે બોટાદના પ્રખ્યાત ધર્મ સ્થાન સાળંગપુર હનુમાન મંદિર (Salangpur Hanuman Temple ) ખાતે પ્રથમવાર રંગોત્સવ (Rangotsav in Salangpur Hanuman Temple) યોજાયો છે. જેમાં ભક્તજનો પર 2000 કિલો રંગનો વરસાદ કરવામાં આવ્યો છે. આ સાથે 25,000થી પણ વધુ ચોકલેટ પ્રસાદ પણ પીરસવામાં આવી રહ્યો છે. આજે ધૂળેટીના પાવન પર્વે સાળંગપુર હનુમાન દાદાને ધુળેટી સાથે રંગ અને પિચકારીનો શણગાર કરવામાં આવ્યો છે.
પ્રસિદ્ધ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં દાદાને અર્પણ કરાયેલાં 2 હજાર કિલોથી વધુ રંગ સંતો દ્વારા હરિભક્તો પર ઉડાડવામાં આવ્યો છે. રંગોત્સવ માટે હનુમાનજી મંદિર દ્વારા વિશેષ તૈયારી પણ કરવામાં આવી છે. આ માટે લોખંડની પાઇપમાં 3 કિલોથી વધુ રંગ ભરીને તેને બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. બ્લાસ્ટ કરાયેલો રંગ 70 ફૂટ સુધી ઊંચે ઉડતાં આકાશમાં રંગબેરંગી નજારો જોવા મળ્યો હતો.