અંકિત પોપટ, રાજકોટ : સોમવારનો દિવસ જાણે કે, રાજકોટ (Rajkot News) જિલ્લામાં કાળમુખો બન્યો હોય તે પ્રમાણે એક બાદ એક બે અકસ્માતની (Accident in Rajkot) ઘટના સામે આવી છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં હાઈ બોન્ડ સિમેન્ટ નામની ફેકટરીમાં દુર્ઘટના સર્જાતા ત્રણ જેટલા શ્રમિકોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે બીજી તરફ સોમવારે મોડી રાત્રે આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અકસ્માતની ઘટના બની છે. જેમાં બે યુવકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. ત્યારે બંને આશાસ્પદ પાટીદાર યુવાનોના મૃતદેહો ઘરે પહોંચતા પરિવારમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો.
અકસ્માતની ઘટનાને અંજામ આપ્યા બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હોવાનું પણ પોલીસ દ્વારા જાણવા મળ્યું છે. સમગ્ર મામલાની જાણ આટકોટ પોલીસને થતાં આટકોટ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરાયા બાદ બને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. તેમજ પોલીસ દ્વારા સભ્યોના નિવેદનના આધારે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે.