મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી (CM Vijay Rupani) રાજ્યમાં (Gujarat) Tauktae વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાના અંતરિયાળ ગામોની જાત-મુલાકાત લઇને આ વાવાઝોડાને કારણે થયેલી નુકસાની અને ગામની સ્થિતિનો ક્યાસ મેળવી રહ્યા છે. આજે સવારે ઉના તાલુકાના ગરાળ ગામે પહોંચ્યા હતા અને ગામના સરપંચ મોંઘીબેન સોલંકી તથા ગ્રામજનો પાસેથી તેમણે તાઉતે વાવાઝોડાને કારણે ગામમાં સર્જાયેલી સ્થિતિની માહિતી મેળવી હતી . અસરગ્રસ્ત ગ્રામ જનો સાથે સંવાદ કરીને આ આપદામાં રાજ્ય સરકાર તેમની પડખે હોવાનો સધિયારો આપ્યો હતો.
સીએમ રૂપાણીને સરપંચ અને ગરડા ગામનાં લોકોએ આ મહામુસિબતથી પડેલું દુખ અને વ્યથા વર્ણવી હતી. જેની સામે સીએમે તેમને આશ્વાસન આપ્યું હતું કે, સરકાર તમારી મદદ કરશે. નોંધનીય છે કે, વાવાઝોડાના કારણે સ્થળાંતર થયેલાઓને આજથી કેશડોલ ચૂકવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. 16 અને 17મી મેના રોજ સ્થળાંતર થયેલા લોકોને રાજ્ય સરકાર સાત દિવસની કેશડોલ ચૂકવશે. પુખ્ત વયના વ્યક્તિને 100 રૂપિયા અને બાળકોને રૂ. 60 પ્રતિ દિવસ ચૂકવવામાં આવશે.
સોમવારે પીએમ મોદીએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર તૌક્તે વાવાઝોડાને કારણે જે લોકો પ્રભાવિત થયા છે તેમની સાથે છે અને તેમને જરૂરી તમામ મદદ કરશે. પીએમ મોદીએ જણાવ્યું કે અમદાવાદમાં બેઠક દરમ્યાન તોકતે વાવાઝોડાને કારણે ઉદ્દભવેલી સ્થિતિની સમીક્ષા કરી હતી. વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોમાં ચાલી રહેલા રાહત અને બચાવ કાર્યની પણ માહિતી મેળવી હતી.