

કિંજલ કારસરીયા, જામનગર : જામનગરમાં મોટા બહેનને ગળે ટૂંપો આપીને મારી નાખ્યા બાદ ભાઈએ પણ ઝેરી દવા પીને હાથની નસો કાપી આપઘાત કરી લીધાની ઘટના સામે આવી છે. મહાનગર પાલિકામાં હાઉસટેક્સમાં નોકરી કરતાં વુદ્ધે આપઘાત પહેલા લખેલી સુસાઈડ નોટ સામે આવતા આ સમગ્ર મામલો સામે આવ્યો છે.


જામનગર શહેરમાં આવેલા રામેશ્વરનગરમાં વૃદ્ધ મહિલા અને તેના વૃદ્ધ ભાઈ રહેતા હતા. અપરણિત વૃદ્ધ ભાઈ-બહેનની 17 કલાકના અંતરમાં લાશો મળી આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. પોલીસને પ્રથમ તો આ બનાવ આપઘાતનો લાગ્યો હતો પરંતુ ભાઈ પાસેથી મળેલી સુસાઈડ નોટ અને પોસ્ટમોર્ટમ થતાં મોટો ઘટસ્ફોટ થયો છે. વૃદ્ધ ભાઈએ પ્રથમ તેની બહેનને ગળે ટૂંપો આપી મારી નાખી હતી બાદમાં પોતે પણ તળાવની પાળ નજીક આવેલ જૂની આર.ટી.ઓ. નજીક ઝેરી દવા પી બન્ને હાથોની નસો કાપી આપઘાત કરી લીધો હતો. આ ઘટનાને પગલે ASP નિતેષ પાંડેય સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ કરતાં સુસાઈડ નોટ પોલીસને હાથ લગતા ઘટસ્ફોટ થયો હતો


જામનગર શહેરના રામેશ્વરનગરમાં હર્ષિદાબેન છગનલાલ જેઠવા (ઉ.વ.67) નામના વૃદ્ધા જે સિક્યોરિટીમાં પણ નોકરી કરતા હતા તેની લાશ મંગળવારે રાત્રે સવા આઠ વાગ્યે તેના રહેણાંક મકાનમાંથી મળી આવી હતી. પોલીસે તેના મૃતદેહનો કબજો સંભાળી અકસ્માતે મૃત્યુ નોંધ કરી કે મરણ જનારને જન્મથી જ આંચકીની બીમારી હોય જેના કારણે તેનું મોત થયાની શક્યતાથી તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસ શરૂ કરે તે પહેલા જ સવારે હર્ષિદાબેનના 58 વર્ષીય ભાઈ અનિલ છગનભાઈ જેઠવા, જે મહાનગરપાલિકામાં હાઉસટેક્સ વિભાગમાં નોકરી કરે છે. તેમનો મૃતદેહ જૂની RTO પાસેના તળાવ નજીકથી મળી આવ્યો હતો. 17 કલાકના અંતરે વૃદ્ધ ભાઈ-બહેનના મૃતદેહો મળતા જામનગરમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો.


આ દરમિયાન પોલીસે બંનેનું પોસ્ટમોર્ટમ કરાવતા વધુ ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં અનિલભાઈએ તેમની વૃદ્ધ બહેનનું ગળું દબાવીને હત્યા કરી હોવાનું ખૂલ્યું હતું . ત્યારબાદ ભાઈ અનિલને લાગી આવતા તેણે ઝેરી દવા પી લીધી હતી, પરંતુ તેનાથી તે મરશે નહીં તેવું લાગતા તેણે બન્ને હાથોની નસો કાપીને આપઘાત કરી લીધો હતો. આખો ઘટનાક્રમ બહાર આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. વૃદ્ધ ભાઈ-બહેનનું આવા સંજોગોમાં મૃત્યુનું કારણ પ્રાથમિક રીતે તો માનસિક બીમારી માનવામાં આવી રહ્યું છે. પોલીસે મૃતક અનિલની લખેલી મનાતી સુસાઈટ નોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.