

અતુલ જોશી, મોરબી : ટંકારાના બંગાવડી ગામ પાસેનો પુલ તૂટી ગયો હોવાનું સામે આવ્યું છે. આ પુલ તૂટી જતા તેની ઉપરથી વાહન પસાર થઈ શકે તેમ ન હોવાથી ધ્રોલ તરફ આવવા કે જવા માટે હવે વાહન ચાલકોને 20 કિમીનું ચક્કર લગાવવું પડશે. ટંકારાનો બંગાવડી ડેમ ગઈકાલે ઓવરફ્લો થયો હતો. ત્યારે આ ડેમનું પાણી બંગાવડી ગામ પાસે આવેલા પુલ ઉપરથી જઈ રહ્યું હતું. આ પાણી ઓસરતા પુલ તૂટી ગયો હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા.


આ અંગે ગામના સરપંચ જીજ્ઞેશભાઈ દેત્રોજાએ જણાવ્યું હતું કે જિલ્લા પંચાયત હસ્તકનો આ પુલ તૂટી ગયો છે. અગાઉ પણ પુલની હાલત ખરાબ હોવાથી વારંવાર રજુઆત કરવામાં આવી હતી. પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. હાલ અહીંથી વાહનો પસાર થઈ શકે તેમ નથી. જેથી ધ્રોલ તરફ આવવા કે જવા માટે હવે વાહનચાલકોને 20 કિલોમીટર ફરવું પડશે. જેના લીધે ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડશે.


હળવદ તાલુકામાં પાછલા બે દિવસથી હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુંદરગઢ પાસે આવેલ બ્રાહ્મણી- બે ડેમમાં વરસાદી પાણીના નવા નીર આવ્યા હતા. આ ડેમમાં નર્મદાનું પાણી પણ આવતું હોય છે જેને કારણે હાલ ડેમની સપાટી 42.5 મીટર પર પહોંચી છે જેથી હાલ ડેમ 90 ટકા ભરાઈ ગયો છે. હવે વરસાદ આવશે તો ડેમના દરવાજા ખોલવામાં આવનાર હોય જેને કારણે નીચાણવાળા વિસ્તારના નવ ગામોને એલર્ટ કરાયા છે.