રાજકોટ: ગુજરાતીઓ સામાન્ય રીતે પોતાના પરિવારમાં સંતાનનો જન્મ થતા સ્વજનોનું મોં મીઠું કરાવતા હોય છે. ત્યારે રાજકોટના (Rajkot) પોપટ પરિવારે આ પરંપરાગત ચીલાથી ઉપર કાંઇક કરવાનું વિચાર્યુ. તેમણે પોતાના પરિવારમાં જન્મેલી દીકરીના (baby girl birth celebration) જન્મની ખુશીમાં સ્વજનોને રામ ચરિત માનસ ભેટ આપવાનું નક્કી કર્યું છે.
આ અંગે દીકરી રુદ્રીની માતા હિમાની બેન પોપટે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, મીઠાઈ વહેંચવાથી થોડીક ક્ષણો માટે કોઈના મોં મધુર કરી શકાય છે. પરંતુ જો કાયમી માટે કોઈનું જીવન મધુર બનાવવુ હોઈ, તેમનો સ્વભાવ તેમના સબંધોમાં મીઠાશ કાયમી પથરાઈ રહે તે પ્રકારના હેતુ સાથે અમે રામ ચરિત માનસ વહેચવાનું નક્કી કર્યું છે. કારણકે રામ ચરિત માનસના વાંચન થકી વ્યક્તિના જીવનમાં આમોલ પરિવર્તન આવશે.
તેમણે વધુમાં જણાવ્યુ કે, આજે જ્યારે વિભક્ત કુટુંબની સંખ્યા મોટા પ્રમાણમાં કૂદકે અને ભૂસકે વધી રહી છે. ત્યારે પારિવારિક સંબંધો કઈ રીતે સુવ્યવસ્થિત જાળવી શકાય તે બાબતનો રામચરિત માનસ સંપૂર્ણ પણે ખ્યાલ આપે છે. સાસુ સસરા, સસરા જમાઈ અને બાપ દીકરીના સંબંધો કેવા હોવા જોઈએ આ બાબતનો તલસ્પર્શી રીતે ખ્યાલ આપે છે. રામ ચરિત માનસ. તેમજ આજે જ્યારે દીકરી પર અત્યાચારો મોટા ભાગે તેના પરિચીત વ્યક્તિ સૌથી વધુ કરતા હોઈ છે. ત્યારે મર્યાદા સહિતના પાઠ દીકરીના ઘરથી જ શરૂ થાય. તેના પરિજનોથી જ શરૂ થાય તે હેતુ સાથે રામ ચરિત માનસ આપવાનું નક્કી કર્યું છે.
આપણે ત્યાં એવું કહેવાય છે કે, દીકરો સૌથી વધુ તેની માતાને વ્હાલો હોઈ છે. જ્યારે, દીકરી સૌથી વધારે વ્હાલી તેના પિતાને હોય છે. ત્યારે પોતાની લાડકવાયીના ચહેરા પર સ્મિત કાયમી અકબંધ જળવાઈ રહે તે માટે એક પિતા પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દેતો હોય છે. ત્યારે રુદ્રીના પિતા દ્વારા પોતાનો પૂરો પગાર વ્હાલુડીના અનોખા વધામણાં અંતર્ગત રામ ચરિત માનસની વહેંચણી કરી ખર્ચ કરવામાં આવશે.
પોપટ પરિવાર દ્વારા રામ ચરિત માનસની ભેટ રાજકોટ જિલ્લા જેલમાં, શહેર પોલીસ કમિશનરની કચેરીમાં આવેલી લાઇબ્રેરીથી માંડી શહેરભરના તમામ પોલીસ સ્ટેશનમાં આવેલી લાઇબ્રેરી તેમજ જુદી જુદી સંસ્થાઓની લાઇબ્રેરીમાં પણ આપવામાં આવશે. તો સાથેજ પોતાના સ્નેહીજનો મિત્ર વર્તુળ અને ધાર્મિક સંસ્થાનોમાં પણ આપવામાં આવશે. તેમજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલથી લઇ વડાપ્રધાનના કાર્યલય સુધી રામ ચરિત માનસ મોકલાવવામાં આવશે.