ગીર સોમનાથ, દિનેશ સોલંકી : છાછર ગામે આરએસએસ કાર્યકરો પર થયેલા હુમલાના પડઘા કોડીનારમાં પડયા છે. કોડીનારમાં સજ્જડ બંધ પાળી વિશાળ રેલી યોજી મામલતદાર અને પોલીસને આવેદન પાઠવવામાં આવ્યું છે. બે દિવસ પહેલા કોડીનારના છાછર ગામે આરએસએસ કાર્યકરો પર એક ચોક્કસ કોમના ટોળાએ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જેના પ્રત્યાઘાત હવે કોડીનાર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહયા છે.
આજે કોડીનાર શહેરમાં હિન્દુ સંગઠનો દ્વારા બંધ રાખવાની અપીલ કરવામાં આવી હતી. જેના કારણે વહેલી સવારથી જ શહેર સજ્જડ બંધ રહ્ય હતું. કોડીનાર ચેમ્બર અને વેપારીઓએ મોટી સંખ્યામાં સ્વયંભૂ બંધ પાળી હિન્દુ સંગઠનો સાથે શહેરમાં રેલી યોજી હતી. આ રેલી કોડીનારના સોમનાથ મંદિરથી મામલતદાર કચેરી પહોંચી મામલતદારને આવેદન પાઠવ્યું હતું.
કોડીનારના છાછર ગામે આરએસએસ કાર્યકરો પર થયેલા હુમલા મામલે કરણી સેના અને હિન્દુ સંગઠનો દ્વારા આક્ષેપ કરાયો છે કે છાછર ગામમાં એક ચોક્કસ કોમની વસ્તી વધુ છે. જેના કારણે ત્યાં રહેલા હિન્દુ સમાજના લોકોને વારંવાર પરેશાન કરવામાં આવી રહ્યો છે. તે લોકો ને હિજરત કરવા પર મજબૂર કરવામાં આવી રહ્યા છે. ભૂતકાળમાં પોલીસની ભૂમિકાને લઈ આવારા અને આતંકી તત્વો ફૂલ્યા ફાલ્યા છે અને આ તત્વો હુમલાઓ કરી રહ્યા છે જે આવારા અને આતંકી તત્વો છે તેને તત્કાળ ડામવામાં આવે એટલું જ નહીં આરએસએસ કાર્યકરો પર થયેલો હુમલો પૂર્વ આયોજિત કાવતરું હતું. જેના કારણે આઈપીસીની કલમ 120 બી ઉમેરવામાં આવે તેવી પણ માંગ સાથે હિન્દુ સંગઠનો દ્વારા કોડીનાર મામલતદાર અને પોલીસને આવેદન પાઠવ્યું હતું.
કોડીનાર શહેર બપોરે 2 વાગ્યા સુધી સજ્જડ બંધ રહ્યું અને ત્યાર બાદ શહેર ફરી સામાન્ય દિવસોની જેમ ખુલ્લું મુકાશે. આરએસએસના કાર્યકરો પર હુમલા બાદ કોડીનારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. છાછર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે તો સમગ્ર મામલે કોડીનાર ઇન્ચાર્જ પીઆઇનું કહેવું છે કે અંદાજે 15 થી 20 લોકોના ટોળા વિરુદ્ધ આઈપીસી 307ની કલમ લગાવાયી છે તેમજ અનેક આરોપીઓને ઝડપી પાડયા છે. અન્ય આરોપીઓની સીસીટીવીના આધારે શોધખોળ હાથ ધરી છે. પોલીસે હિન્દુ સંગઠનોને શાંતિ જાળવવા અપીલ કરી છે.