અંકિત પોપટ, રાજકોટ : રાજકોટ શહેરમાં માત્ર પંદર દિવસમાં જ પોલીસ પર હુમલો થવાનો બીજો બનાવ સામે આવ્યો છે. રાજકોટ શહેરમાં જાણે કે પોલીસનો કોઇ ડર ન હોય તે પ્રકારે લુખ્ખા તત્વો, અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવી રહ્યો છે. તો પોલીસ પણ આ પ્રકારના લુખ્ખા તત્વોને કાયદાનો પાઠ ભણાવી રહી છે. રાજકોટ શહેરની યુનિવર્સિટી પોલીસ દ્વારા મોટા મોવા ગામના સ્મશાન પાસે આવેલા નવદુર્ગાપરામાં પ્રોહીબિશનની રેઇડ કરવામાં આવી હતી. જે રેઇડ દરમિયાન પોલીસ મથકના સ્ટાફ ઉપર બુટલેગર અને સ્થાનિક મહિલાઓ સહિતના શખ્સોએ પથ્થરમારો કર્યો હતો. સાથે જ સરકારી તેમજ ખાનગી વાહનોને નુકસાન પણ પહોંચાડ્યું હતું.
સમગ્ર બનાવ અંગે વાત કરવામાં આવે તો 16 ડિસેમ્બરના રોજ રાજકોટ શહેરની યુનિવર્સિટી પોલીસ દ્વારા મોટા મોવાં ગામના સ્મશાન સામે આવેલા નવદુર્ગાપરામાં આવેલ એક ઓરડીમાં દારૂનો જથ્થો રાખવામાં આવ્યો છે તે પ્રકારની બાતમી મળી હતી. ચોક્કસ બાતમીના આધારે યુનિવર્સિટી પોલીસ દ્વારા રેઇડ કરવામાં આવતા ઓરડીમાં હાજર બે શખ્સો તેમજ દારૂની અલગ અલગ બ્રાન્ડની દારૂથી ભરેલી બોટલો તેમજ ખાલી બોટલો મળી આવી હતી. ઓરડી નાની હોવાથી ત્યાં મુદ્દામાલની ગણતરી કરવી શક્ય ન હોવાથી પોલીસ દ્વારા ખાલી તેમજ ભરેલી બોટલના બોક્ષ સરકારી વાહનોમાં મૂકવામાં આવ્યા હતા. તેમજ ઓરડીની બહાર પાર્ક કરવામાં આવેલું એક્ટીવા સ્કુટર પણ કબજે કરવામાં આવ્યું હતું. આ સ્કૂટર મુખ્ય સૂત્રધાર અંકિત પરમારનું હોવાનું તેમ જ આ સ્કૂટર દ્વારા દારૂની હેરાફેરી કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.
પોલીસ સ્ટાફ દ્વારા મુદ્દામાલ કબજે કરી તેમ જ ઓરડીમાંથી ઝડપાયેલા બંને આરોપીઓને સરકારી ખાનગી વાહનોમાં બેસાડીને પોલીસ સ્ટેશન તરફ લઈ જવામાં આવી રહ્યા હતા. આ સમયે કેટલાક લોકોએ પોલીસ ઉપર પથ્થરમારો શરૂ કર્યો હતો. પથ્થરમારામાં પોલીસની સરકારી જીપ નો કાચ ફૂટી ગયો હતો તો સાથે જ ખાનગી કારમાં પણ નુકસાન પહોંચ્યું હતું. પોલીસ સ્ટાફ દ્વારા વાહન ઊભા રાખીને હુમલાખોરોને પકડવા પીછો કરતા કેટલાક હુમલાખોરો નાસી છૂટયા હતા. એક હુમલાખોર રતિલાલ લાલજીભાઈ વાઘેલાને પોલીસ સ્ટાફ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે ઝડપી પાડેલા રતિલાલે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે પોલીસની દારૂની રેડ દરમિયાન ભત્રીજાઓને ઝડપી લીધાની જાણ થતાં આસપાસમાં રહેતા સગા સંબંધીઓએ ભત્રીજાઓને છોડાવવા માટે પોલીસ પર હુમલો કર્યો હતો. આરોપીની પૂછપરછમાં ત્રણ મહિલા સહિત અન્ય સાત હુમલાખોરોના નામ પણ સામે આવ્યા છે.
પોલીસે ઓરડીમાંથી કબજે કરેલી દારૂની 27 ભરેલી બોટલો તેમજ 22 ખાલી બોટલો, મોબાઇલ, એકટીવા સહિત કુલ 57 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. તેમજ ઝડપાયેલા ત્રણ આરોપીઓ સહિત કુલ દસ આરોપીઓ સામે પ્રોહીબીશન, પોલીસ પર હુમલો તેમજ પોલીસની ફરજમાં રૂકાવટ અને સરકારી વાહનોમાં નુકસાન કરવાની કલમ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી લેવા શોધખોળ શરૂ કરી છે. પોલીસ સૂત્રોનું માનીએ તો મુખ્ય સૂત્રધાર અંકિત પરમાર અગાઉ મર્ડર તેમજ પ્રોહિબિશનના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે અંકિત પરમાર નામના મુખ્ય સૂત્રધારે પાંચ વર્ષ પહેલા પુષ્કરધામ રોડ પર એક યુવાનની હત્યા કરી હતી.