દિનેશ સોલંકી, ગીર સોમનાથ : ડીજીટલ પેમેન્ટ અને ઓનલાઇન ખરીદી તરફ જતા લોકો માટે ધ્યાન રાખવા સમાન એક કિસ્સો સામે આવ્યો છે. એટીએમ કાર્ડમાંથી લોકોના રૂપિયા ઉપાડી જતા આરોપીને ગીર સોમનાથ જીલ્લા પોલીસે ઝડપી જેલ હવાલે કર્યો છે. ગુજરાત, મહારાષ્ટ્ર સહીત અનેક રાજ્યોમાં ગુનો કરી નાસતા ફરતા આરોપી અસફાક અબ્દુલ પંજા નામના ભેજાબાજને ગીર સોમનાથ પોલીસે અઢી લાખનાા મુદ્દામાલ સાથે ઝડપી પાડયો છે. આરોપી મુળ વેરાવળનો રહેવાસી છે.
મૂળ વેરાવળનો રહેવાસી અસફાક નામનો ભેજાબાજ આરોપી સતત આવા શિકારની શોધમાં રહેતો હતો. તે એટીએમ નજીક જ આંટાફેરા કરતો હતો. લોકોને પેમેન્ટ ઉપાડવા માટે મદદનો ડોળ કરી પિન જાણી લેતો અને ગણતરીની સેકન્ડમાં મૂળ માલિકનું એટીએમ કાર્ડ તફડાવી ડુપ્લીકેટ એટીએમ કાર્ડ આપી અને ત્યાંથી રફુચક્કર થઈ જતો હતો. આ પછી અન્ય એટીએમમાં જઈ ઓરિજનલ કાર્ડ વડે મોટી રકમ ઉપાડી ચાઉં કરી જતો હતો.
આ ભેજાબાજ આરોપીએ ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યા છે. વેરાવળનાં એક વૃદ્ધને પણ આવી રીતે જ વાતોમાં ફસાવી અને 84 હજાર જેવી રકમ તેમના એટીએમ વડે ઉપાડી લીધી હતી. વેરાવળ એસટીમાં ફરજ બજાવનાર રતનસિહ જાડેજા એટીએમમાં રકમ ઉપાડવા ગયા હતા. ત્યા અસફાક નામના આ ભેજાબાજે આવીને કહ્યું હતું કે લાવો વડીલ હું તમને રૂપિયા ઉપાડી દઉ. એમ કહી તેમના એટીએમના પાસવર્ડ મેળવી તેમના ખાતામાંથી 84 હજાર જેવી રકમ ઉપાડી ગયાની ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદી રતનસિહ જાડેજાની ફરીયાદનાં આધારે અને સીસીટીવી ફુટેજ તેમજ એટીએમનાં ફુટેજને આધારે આરોપીને પકડવામાં સફળતા મળી છે. ગીર પોલીસે આ ભેજાબાજ પાસેથી મોબાઈલ, સોનાનાં દાગીના, રોકડ રકમ ડુપ્લીકેટ એટીએમ કાર્ડ વગેરે જપ્ત કરી પકડી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ દ્રારા જાહેર જનતાને એક અપીલ કરાઈ છે કે પોતાનાં એટીએમ કાર્ડનાં પાસવર્ડ કોઇને પણ ન આપવા. કોઇપણ અજાણ્યા ફોન આવે તો પોતાની માહિતી ન આપવી. આવા ફ્રોડ કિસ્સાઓ અવાર નવાર બને છે છતા પણ લોકોમાં જાગૃતતાનો અભાવ જોવા મળી રહ્યો છે. જો આવા કોઇ ફ્રોડ વ્યકિતઓ જણાય તો તાત્કાલિક જ પોલીસનો સંપર્ક કરવો. આ શાતિર ઠગે 27થી વધુ ગુનાઓ કર્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ગીર પોલીસે 1.5 લાખ રોકડ સહીત મુદામાલ સાથે ઝડપી આરોપોની અટકાયત કરી છે.