અતુલ જોશી, મોરબી : વાંકાનેર (Wankaner)તાલુકાના કણકોટ ગામ મોડી રાત્રે ભયાનક અકસ્માતનો (accident in Kankot village)બનાવ સામે આવ્યો છે. કાર કુવામાં ખાબકતા ચાર લોકોના કમકમાટીભર્યા મોત (Death)નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઇ છે. ઈકો કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર કૂવામાં ખાબકી હતી. દિવાળી (Diwali-2021), નૂતન વર્ષના પર્વ નિમિતે અમદાવાદનો (Ahmedabad)એક પરિવાર કાર મારફતે પ્રવાસ અર્થે નીકળ્યો હતો. ત્યારે મોડી રાત્રીના સમયગાળા દરમિયાન કાર વાંકાનેર તાલુકાના કણકોટ ગામ નજીક પહોંચતા આ પરિવારને અકસ્માત (accident)નડ્યો હતો. જેમાં કણકોટ ગામના પાટિયા પાસે કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર કુવામાં ખાબકી હતી. જેમાં ચાર લોકોના મોત નિપજ્યા હતા.
કારમાં બેઠેલ મંજુલાબેન રતિલાલભાઈ પ્રજાપતિ (ઉ.વ.60), મીનાબેન દિનેશભાઈ પ્રજાપતિ (ઉ.વ.43), આદિત્ય દિનેશભાઈ પ્રજાપતિ (ઉ.વ.16) અને પૌત્ર ઓમ (ઉ.વ.7) ના ઘટનાસ્થળે જ મોત નિપજયા હતા. આ ઘટનાની જાણ થતાની સાથે જ મોરબી અને રાજકોટ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરતા કારમાં સવાર અન્ય લોકોને બચાવી લેવાયા હતા.
આ બનાવને પગલે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા રતિભાઈ ભવનભાઈ પ્રજાપતિ (ઉ.વ.69) ઇકો કાર નંબર જીજે એચ ઝેડ 1453 ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે. આ અકસ્માતમાં કારચાલક, પરિવારના મોભી રતિભાઈ તેમજ તેમનો દીકરો દિનેશભાઈ પ્રજાપતિ આગળના ભાગે બેઠેલા હોવાથી તેઓ કોઈ રીતે કારમાંથી બહાર નીકળી ગયા હતા, પરંતુ કારની પાછળનો દરવાજો ન ખૂલતાં પાણી ભરાતાં કારમાં બેઠેલા રતિભાઈનાં પત્ની મંજુલાબેન પ્રજાપતિ, પુત્રવધૂ મીનાબેન દિનેશભાઈ પ્રજાપતિ અને બે પૌત્ર આદિત્ય અને ઓમના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં.
કાર ફુલ સ્પીડમાં આવતી હતી અને કાબૂ ગુમાવતાં રોડથી આશરે 50 ફૂટ દૂર આવેલા એક કૂવામાં ખાબકી હતી, કારનો ડ્રાઇવર કૂદકો મારીને નીકળી ગયો હતો, જ્યારે કારમાં સવાર બે પુરુષ પણ બચી ગયા હતા. તેઓ કૂવામાં આવેલા કડ પર ચડી ગયા હતા અને લોકોએ તેમને બહાર કાઢ્યા હતા. જ્યારે બે બાળક અને બે મહિલા સાથે કાર કૂવામાં પડી હતી. કૂવામાં પાણી વધારે હોવાથી કાર પાણીમાં ડૂબી ગઈ હતી.