

અંકિત પોપટ, રાજકોટઃ ગોંડલનાં જામવાડી જીઆઇડીસીમાં (Jamvadi GIDC) મંગળવારે મોડી રાત્રે આગજનીનો બનાવ સામે આવ્યો હતો. ઔદ્યોગિક વસાહત જામવાડી જીઆઇડીસીમાં (GIDC) મંગળવારની મોડી રાત્રે વનરાવન નામના બારદાનના ગોડાઉનમાં આગ લાગી હતી. પળભરમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી કારખાનાની મશીનરી અને બારદાનના જથ્થા બળીને ખાખ કરી નાખ્યો હતો.


આગની ઘટનાના બનાવ અંગે બારદાનના માલિક ગણેશ જ્યૂટ કંપની વાળા પ્રકાશભાઈ ઈડા જણાવ્યું હતું કે, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. રાત્રીના 12:30 વાગ્યા જેવો સમય હોય ગોડાઉનના બીજા ભાગમાં 7થી 8 કર્મચારીઓ સુતા હતા. પરંતુ તેમને આગનો ખ્યાલ આવે તે પહેલાં જ આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. સ્ટાફ દ્વારા તમને જાણ કરવામાં આવતા હું તુરત જ સ્થળ પર પહોંચ્યો હતો.


ગોંડલ પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ગોંડલ પાલિકાના ફાયર ફાયટરો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા તેમજ ફાયર વિભાગની ટીમ દ્વારા સતત પાણીનો મારો પણ ચલાવવામાં આવ્યો હતો જેના કારણે કલાકોની મહેનત બાદ આગ કાબુમાં આવી હતી. પરંતુ આ દરમિયાન આશરે 10થી 12 લાખ રૂપિયાનો માલ બળીને ખાખ થઈ ગયો હતો. જો કે સદ્નસીબે કોઇ જાનહાની થવા પામી ન હતી.


ઉલ્લેખનીય છે કે આ પહેલા અનેક વખત ગોંડલ શહેરમાં આગજનીના બનાવ સામે આવી ચૂક્યા છે. તો સાથે જ જે જામવાડી જી.આઇ. ડી. સી છે ત્યાં પણ અનેક વખત આગજનીના બનાવ સામે આવી ચુકયા છે. મગફળી કાંડ વખતે પણ ગોંડલનું રામરાજ્ય ગોડાઉન ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું જે મામલે પ્રથમ રાજકોટ રૂરલ પોલીસ દ્વારા અને ત્યારબાદ સીઆઇડી ક્રાઇમ ની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.